નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બુધવારથી શરુ થવા જઈ રહેલી ત્રણ મેચોની વનડે સીરિઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો પડયો છે. શોર્ટર ફોર્મેટમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માને ઈજાને કારણે કારણે આગામી વનડે અને ટેસ્ટ સીરિઝમાં નહીં રમી શકે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અંતિમ ટી20 મેચમાં બેટિંગ કરવા સમયે રોહિતને પગમાં ઈજા થઈ હતી અને તે મેદાન છોડી ચાલ્યો ગયો હતો. ફીલ્ડિંગ કરવા પણ મેદાનમાં ન આવ્યો અને જ્યારે ટ્રોફીની સાથે ટીમનું ફોટો સેશન ચાલી રહ્યું હતું તો તેના પગમાં પટ્ટી બાંધેલી હતી. જ્યારે તેને સપોર્ટ સ્ટાફના બે લોકોએ ઉભો કર્યો અને ડ્રેસિંગ રૂમમાં લઈ ગયા હતા. આ મેચમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો હતો.
મહત્વનું છે કે ભારતીય ટીમનો બીજો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પહેલા જ ઈજાને કારણે ટી20 અને વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો તેવામાં ભારતીય ટીમને આ બીજો મોટો ઝટકો લાગ્યો છે. શિખર ધવનના સ્થાને વનડે ટીમમાં પૃથ્વી શોને સામેલ કરવામાં આવ્યો હતો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સીરિઝનો પ્રથમ મુકાબલો 5 ફેબ્રુઆરીએ હેમિલ્ટનમાં રમાશે. શ્રેણીની બીજી વન-ડે મેચ 8 ફેબ્રુઆરીએ ઓકલેન્ડમાં રમાશે. જ્યારે ત્રીજી વન-ડે 11 ફેબ્રુઆરીએ માઉન્ટ મોનગાનુઇમાં રમાશે. 21 ફેબ્રુઆરીથી 2 ટેસ્ટ મેચની શ્રેણી શરું થશે. જેમાં પ્રથમ ટેસ્ટ 21થી 25 ફેબ્રુઆરી દરમ્યાન વેલિંગ્ટનમાં જ્યારે બીજી ટેસ્ટ 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમ્યાન ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.