જયપુર – ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ફ્રેન્ચાઈઝ રાજસ્થાન રોયલ્સ ટીમે જાહેરાત કરી છે કે તેના ખેલાડીઓ આ વખતની સ્પર્ધામાં ગુલાબી રંગના જર્સીમાં સજ્જ થઈને રમશે. ટીમનો કેપ્ટન છે અજિંક્ય રહાણે.
આઈપીએલની આ વખતની સ્પર્ધા 12મી આવૃત્તિ હશે.
ભૂતપૂર્વ ચેમ્પિયન્સ રાજસ્થાન રોયલ્સે નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા છે એના જ ભૂતપૂર્વ કેપ્ટન અને ઓસ્ટ્રેલિયાના દંતકથાસમા ભૂતપૂર્વ સ્પિનર શેન વોર્નને. શેન વોર્નના જ સુકાનીપદ હેઠળ રાજસ્થાન રોયલ્સ ટીમે 2008માં પ્રારંભિક સ્પર્ધા જીતી હતી.
ટીમનાં ચાહકો તરફથી મળેલા પ્રતિસાદને માન આપીને રાજસ્થાન રોયલ્સે પોતાના ખેલાડીઓ માટે ગુલાબી રંગ પસંદ કર્યો છે.
ગયા વર્ષે ટીમના ખેલાડીઓ માત્ર એક જ મેચ માટે ગુલાબી રંગનાં જર્સી પહેરીને રમ્યા હતા, પણ ચાહકોને એ રંગ બહુ પસંદ પડ્યો હતો. ગયા વર્ષે ખેલાડીઓ કેન્સરની બીમારી સામે જનજાગૃતિ ઊભી કરવા માટે ગુલાબી રંગના જર્સી પહેરીને રમ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનનું પાટનગર શહેર જયપુર ગુલાબી શહેર તરીકે ખ્યાતિ ધરાવે છે. જ્યારે જોધપુર શહેર ગુલાબી રંગના રેતિયા પથ્થરો માટે તેમજ ઉદયપુર શહેર ગુલાબી રંગના માર્બલના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. તેથી જ રાજસ્થાન રોયલ્સ ટીમના સત્તાવાર રંગ તરીકે ગુલાબી પસંદ કરાયો છે, એમ ટીમે એક નિવેદનમાં જણાવ્યું છે.