ક્રિકેટર સ્મૃતિ મંધાનાને કરાશે ‘શિવ છત્રપતિ એવોર્ડ’થી સમ્માનિત

મુંબઈ – મહારાષ્ટ્ર સરકારે આ વર્ષના ‘શિવ છત્રપતિ સ્પોર્ટ્સ એવોર્ડ્સ’ની જાહેરાત કરી છે. સરકારે આ એવોર્ડ માટે મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાની પસંદગી કરી છે. સ્મૃતિ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ-કેપ્ટન અને ડાબોડી ઓપનિંગ બેટ્સમેન છે.

વર્ષ 2017-18 માટે ‘શિવ છત્રપતિ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ માટે મલ્લખમ્બ રમતના કોચ ઉદય દેશપાંડેની પસંદગી કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના ખેલકૂદ પ્રધાન વિનોદ તાવડેએ આજે અહીં પત્રકારો સમક્ષ જાહેરાત કરી હતી.

ઉદય દેશપાંડેએ એમનું સમગ્ર જીવન મલ્લખમ્બ રમત માટે સમર્પિત કરી દીધું છે. એ દાદરના શિવાજી પાર્ક સ્થિત સમર્થ વ્યાયામ મંદિરના સ્થાપક છે. મલ્લખમ્બ 12મી સદી જેટલા પ્રાચીન સમયની ભારતીય પરંપરાગત રમત છે. દેશપાંડે આ રમતને સતત ઉત્તેજન આપી રહ્યા છે અને યુવાઓને એની તાલીમ આપી રહ્યા છે. આ રમતમાં ખેલાડી જમીનમાં ખૂંપાવી દેવાયેલા થાંભલા પર અથવા લટકતા દોરડા પર જિમ્નેસ્ટિક્સ અને યોગાસનો પરફોર્મ કરે છે.

ખેલાડીઓની કેટેગરીમાં આ એવોર્ડ ભારતની મહિલા ક્રિકેટ ટીમની સભ્ય સ્મૃતિ મંધાનાને ફાળે ગયો છે. સ્મૃતિ પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી શહેરની વતની છે. મુંબઈમાં જન્મેલી સ્મૃતિએ અત્યાર સુધીમાં 47 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 4 સદી અને 14 અડધી સદી સાથે 1,798 રન કર્યા છે. 55 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં એણે 8 અડધી સદી સાથે 1,226 રન કર્યા છે. એ બે ટેસ્ટ મેચમાં પણ રમી છે, જેમાં 81 રન કર્યા છે.

આ એવોર્ડ આવતી 17 ફેબ્રુઆરીએ ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે નિર્ધારિત સમારંભમાં એનાયત કરવામાં આવશે.

આ એવોર્ડ જીતનાર અન્ય ખેલાડીઓ છેઃ હોકી ખેલાડી સૂરજ કરકેરા, બેડમિન્ટન સ્ટાર સાનિલ શેટ્ટી, ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લીટ સિદ્ધાંત થીંગાલિયા, રનર મોનિકા આઠારે અને સ્ક્વોશ ખેલાડી મહેશ માનગાંવકર.

સ્મૃતિ મંધાના

માઉન્ટ એવરેસ્ટ સર કરી આવેલા સાતારા શહેરના પર્વતારોહક પ્રિયાંક મોહિતેને એડવેન્ચર માટેનો ‘શિવ છત્રપતિ એવોર્ડ’ આપવામાં આવશે.

સરકાર દિવ્યાંગજન ખેલાડીઓને ‘એકલવ્ય રાજ્ય પુરસ્કાર’થી સમ્માનિત કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]