ધરમશાલા (હિમાચલ પ્રદેશ) – ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અહીંના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે આજે નિર્ધારિત પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ વરસાદને કારણે એકેય બોલ નખાયા વિના કે ટોસ ઉછાળ્યા વિના પડતી મૂકી દેવામાં આવી છે.
ત્રણ-મેચોની સિરીઝની બીજી મેચ 18 સપ્ટેંબરે પંજાબના મોહાલી (ચંડીગઢ)માં રમાશે. ત્રીજી અને આખરી મેચ 22 સપ્ટેંબરે બેંગલુરુમાં રમાશે.
આ સિરીઝ બંને ટીમ માટે મહત્ત્વની છે, કારણ કે આવતા વર્ષે આ જ ફોર્મેટની વર્લ્ડ કપ સ્પર્ધા રમાવાની છે.
છેલ્લા કેટલાક દિવસોથી ધરમશાલામાં વરસાદ પડી રહ્યો છે. આજે બપોરે ધોધમાર પડ્યો હતો અને ત્યારે જ મેચ રમાવા વિશે શંકા ઊભી થઈ હતી.
આઉટફિલ્ડ રમવા માટે જરાય યોગ્ય નહોતું. ધીમો વરસાદ સતત ચાલુ રહેતાં પીચ પરથી કવર્સ હટાવવાનો મોકો જ મળ્યો નહોતો.
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં સંપૂર્ણ સફળતા હાંસલ કરીને આવી છે. ટીમ ત્યાં ત્રણેય ફોર્મેટની શ્રેણીમાં જીત મેળવીને આવી છે. સ્ટાર ખેલાડીઓને આરામ આપ્યો હતો તે છતાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી વ્હાઈટવોશ પરાજય આપ્યો હતો.
બીજી બાજુ, ફાફ ડુ પ્લેસીની આગેવાની હેઠળની સાઉથ આફ્રિકન ટીમ ઈંગ્લેન્ડમાં રમાઈ ગયેલી વર્લ્ડ કપ સ્પર્ધામાં કંગાળ દેખાવને કારણે ખૂબ વગોવાઈ ગયા બાદ વિકેટકીપર ક્વિન્ટન ડી કોકની આગેવાની હેઠળ ભારત સામેની શ્રેણીમાં સારો દેખાવ કરવા ઉત્સૂક છે. ટીમમાં 3 નવા ચહેરા છે – ટેમ્બા બાવુમા, બોર્ન ફોર્ટિન અને એન્રીચ નોર્જે.
The rains continue and the match has officially been called off. See you in Chandigarh for the 2nd T20I #INDvSA pic.twitter.com/BjZ9Y7QAf2
— BCCI (@BCCI) September 15, 2019