માનસી જોશી માને છેઃ ‘મહેનતથી બધું જ શક્ય બને છે’…

ગયા ઓગસ્ટ મહિનામાં સ્વિટ્ઝરલેન્ડના બાઝલ શહેરમાં યોજાઈ ગયેલી બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને પી.વી. સિંધુ આ સિદ્ધિ હાંસલ કરનાર પહેલી ભારતીય બેડમિન્ટન ખેલાડી બની એના અમુક જ કલાકો બાદ એક અન્ય ભારતીય મહિલાએ પણ એવી જ મહાન સિદ્ધિ હાંસલ કરી હતી અને તે છે માનસી જોશી. મુંબઈનિવાસી માનસી ગિરીશચંદ્ર જોશીએ પેરા-બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો હતો. એણે ફાઈનલમાં ભારતની જ અને ગુજરાતનિવાસી અર્જુન એવોર્ડવિજેતા પારુલ દલસુખભાઈ પરમારને પરાજય આપ્યો હતો.

માનસી દિવ્યાંગ બેડમિન્ટન ખેલાડીઓનાં વર્લ્ડ રેન્કિંગ્સમાં SL3 સિંગલ્સમાં વર્લ્ડ નંબર-2 છે. જ્યારે પારુલ વર્લ્ડ નંબર-1 છે.

માનસીનાં પિતા ગિરીશચંદ્ર જોશી ભાભા અણુ સંશોધન કેન્દ્રના નિવૃત્ત વૈજ્ઞાનિક છે. પિતાના માર્ગદર્શન નીચે જ માનસીએ છ વર્ષની ઉંમરથી જ બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. બેડમિન્ટનની રમતનો એને નાનપણથી જ શોખ રહ્યો હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યાં 2011ની સાલમાં એનાં જીવનમાં મોટું વાવાઝોડું આવ્યું. એ મોટી દુર્ઘટનાનો ભોગ બની. એ સ્કૂટર પર જતી હતી ત્યારે એક ટ્રકે સ્કૂટરને ટક્કર મારી અને માનસીને કચડી નાખી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ અને હોસ્પિટલમાં ઓપરેશન દ્વારા એનો ડાબો પગ કાપી નાખવો પડ્યો હતો. આટલું મોટું દુઃખ આવી પડ્યું તે છતાં માનસી હિંમત હારી નહીં. ઈજા અને ઓપરેશનમાંથી એકદમ સાજી થઈ ગયા બાદ એણે બેડમિન્ટનમાં દિવ્યાંગ તરીકે કારકિર્દી બનાવવાનો દ્રઢનિશ્ચય કર્યો.

2015ની સાલના સપ્ટેંબરમાં જ એણે ઈંગ્લેન્ડમાં પેરા-બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને મિક્સ્ડ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

2018માં પિતાએ માનસીને હૈદરાબાદમાં પી. ગોપીચંદ બેડમિન્ટન એકેડેમીમાં દાખલ કરાવી આપી, જ્યાં એણે એડવાન્સ્ડ તાલીમ લીધી અને ઓક્ટોબરમાં જકાર્તામાં યોજાઈ ગયેલી એશિયન પેરા ગેમ્સમાં ભારત માટે કાંસ્ય ચંદ્રક જીત્યો. આખરે એનો સુવર્ણ દેખાવ આવ્યો આ વર્ષના ઓગસ્ટમાં જ્યારે એણે બાઝલ શહેરમાં પેરા-બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો.

ટોકિયો-2020 પેરાલિમ્પિક્સને હવે એક વર્ષ બાકી છે અને માનસીને વિશ્વાસ છે કે પોતે આ સ્પર્ધામાં પણ જોરદાર દેખાવ કરી શકશે. એ માને છે કે સખત મહેનત કરો તો કંઈ પણ અશક્ય હોતું નથી.

સાત વર્ષની વયે માનસીએ માધવ લિમયે અને વિલાસ દામલે નામના બેડમિન્ટન કોચ પાસે તાલીમ લીધી હતી. એ માત્ર આનંદ અને ફિટનેસને ખાતર જ બેડમિન્ટન રમતી હતી. એણે તો એનું બધું ધ્યાન અભ્યાસ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બેડમિન્ટનમાં કારકિર્દી બનાવવાનું એણે કોઈ સપનું રાખ્યું નહોતું. પરંતુ રોડ એક્સિડન્ટે એનાં જીવનમાં વળાંક લાવી દીધો.


‘ચિત્રલેખા’એ 2018ના જુલાઈમાં માનસીનો એક ઈન્ટરવ્યૂ લીધો હતો જે અહીંયા ફરી પ્રસ્તુત કરીએ છીએ.

દિમાગને ડિસેબલ ન બનવા દો…

નવેંબર, ૨૦૧૧: મુંબઈસ્થિત એક મલ્ટિનેશનલ આઈટી (ઈન્ફોર્મેશન ટેક્નોલોજી) કંપનીએ એના સ્ટાફ માટે રમતોત્સવ યોજ્યો છે. એની બેડમિન્ટન ટુર્નામેન્ટમાં માનસી જોશી નામની યુવતીએ સુવર્ણચંદ્રક જીત્યો.

નવેમ્બર, ૨૦૧૨: ફરી આ જ ટુર્નામેન્ટ અને ફરી માનસી જોશી જ બની ગોલ્ડ મેડલિસ્ટ.

જો કે વચ્ચેના એક વર્ષના ગાળામાં ફરક એ પડેલો કે માનસીને એક્સિડન્ટ નડ્યો હતો. એક ટ્રકે માનસીના ટુ-વ્હીલરને અડફેટમાં લીધું અને એમાં માનસીનો ડાબો પગ કચડાઈ ગયો. આખો પગ કાપી નાખ્યા સિવાય કોઈ છૂટકો નહોતો.

એ કપાયેલા પગની જગ્યાએ માનસીએ આર્ટિફિશિયલ પગ લગાડ્યો. એ ખોટા પગની મદદથી હજી તો ચાલવાનું શીખતી હતી માનસી ત્યાં આવી પેલી ટુર્નામેન્ટ. પરિવારજનો અને સાથી કર્મચારીઓએ પાનો ચડાવ્યો એટલે માનસી એમાં ભાગ લેવા તૈયાર થઈ. એ વર્ષનો ગોલ્ડ મેડલ પણ માનસીના નામે ચડ્યો.

પછી તો માનસીએ એની આદત કેળવી લીધી: સ્પર્ધામાં ભાગ લેવાની અને એ જીતવાની.

માનસી જોશી પાસેથી એનો તર્ક જાણવા જેવો છે: ‘રમત કોઈ પણ હોય, એ રમવાની તો દિમાગથી હોય છે અને મારું દિમાગ એકદમ સાબૂત છે!’

અલબત્ત, એક પગે પાછા ઊભા થવાનું માનસી માટે આસાન નહોતું. માનસીના પિતા મુંબઈસ્થિત ભાભા અણુ સંશોધન કેન્દ્ર (BARC) સાથે સંકળાયેલા વિજ્ઞાની. એટોમિક એનર્જી સ્કૂલમાં જ માનસીનું ભણતર. એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી એ આઈટી કંપનીમાં જોડાઈ એને માંડ વરસેક થયેલું ત્યાં નડ્યો હતો પેલો અકસ્માત.

બાવીસ વર્ષની માનસીને આખું જીવતર એળે થતું લાગ્યું. દોઢ મહિનો એ હૉસ્પિટલમાં રહી. જો કે બહુ જલદી એણે મન મનાવી લીધું કે જે થવાનું હતું એ થઈ ગયું. હવે રોદણાં રડવાનો કોઈ અર્થ નથી. જીવવું હશે તો એક પગ વગરની જિંદગીની હકીકત સાથે આગળ વધવું પડશે…

માનસી કહે છે: ‘મનમાં ગાંઠ વાળી એટલે જાણે કંઈ બન્યું નથી એમ માનીને શક્ય એટલી નૉર્મલ રીતે-પૂર્વવત્ જીવન જીવવાની શરૂઆત કરી દીધી. મિત્રો સાથે બહાર જવાનું, ભાઈ પણ બેડમિન્ટન પ્લૅયર એટલે એની સાથે રોજિંદી પ્રેક્ટિસ, વગેરે. એમાં જીતવા માંડી એટલે તો જાત પર વિશ્વાસ વધવા લાગ્યો.’

બેડમિન્ટન આમ તો એ નાનપણથી રમતી, પરંતુ હવે આ રમતમાં માનસીને જાણે પોતાની સામે પડકાર દેખાતો, જેની સામે માનસીને સતત જીતવું હતું. ઘરનું વાતાવરણ અનુકૂળ હતું. એની એક બહેન બાસ્કેટબૉલ રમતી હતી અને હવે એ સ્પોર્ટ્સ મૅનેજમેન્ટ ક્ષેત્રે છે.

આપ્તજનોનો સહારો હતો એટલે પારકી દયાની કાખઘોડી લેવાની માનસીને જરૂર ન પડી.

અકસ્માતનાં ત્રણેક વર્ષ પછી માનસી પહેલી વાર એકલી મુંબઈથી બેંગલુરુ ગઈ. એકલા પ્રવાસ કરવાનો મનમાં ફડકો હતો એ કારણ હોય કે બીજું કંઈ, માનસી બેંગલુરુની એ સ્પર્ધામાં હારી ગઈ, પરંતુ માનસીના જ કહેવા પ્રમાણે એ પરાજયે એને એ પછીની ઘણી ટુર્નામેન્ટમાં જીતવાની ગુરુચાવી આપી દીધી-અને મૂળ તો એની રમતનો તથા સાથે સાથે મિત્રવર્તુળનો વ્યાપ બહુ વધારી આપ્યો.

બેંગલુરુની નિષ્ફળતા પછી માનસીએ અનેક સ્પર્ધામાં ભાગ લીધો અને ઘણા મેડલ પણ જીત્યા છે. દુબઈમાં એ ત્રણ મેડલ જીતીને આવી. માનસી કહે છે:

‘સ્પોર્ટ્સમાં હાથ-પગ કરતાંય વધુ તો દિમાગ ચલાવવાનું હોય છે. યુદ્ધની જેમ મેદાન પરના ખેલ પણ દિમાગથી જિતાય છે. એ રીતે ખેલકૂદની પ્રવૃત્તિ માણસનાં મગજને એકદમ સચેત રાખે છે અને ધાર્યાં લક્ષ્ય પાર પાડવામાં મદદ કરે છે. મગજ દોડતું રાખો અને જાત પર ભરોસો રાખો તો કોઈ પણ જંગ જીતી શકાય છે.’