સેન્ચુરિયનઃ હજી તો ભારત સામેની પહેલી ટેસ્ટ ગઈ કાલે પૂરી થઈ અને બે મેચ બાકી છે ત્યાં દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર- ડાબોડી બેટર ક્વિન્ટન ડી કોકે ટેસ્ટ ક્રિકેટમાંથી ઓચિંતી અને તાત્કાલિક અસરથી અમલમાં આવે એ રીતે ગુરુવારે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમે ગઈ કાલે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર રમાઈ ગયેલી પહેલી ટેસ્ટ મેચમાં ડીન એલ્ગરના નેતૃત્ત્વવાળી દક્ષિણ આફ્રિકા ટીમને 113 રનથી પરાજય આપ્યા બાદ તરત જ ડી કોકે નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોહનિસબર્ગમાં જન્મેલો અને 29 વર્ષીય ડી કોક દક્ષિણ આફ્રિકાનો એક સફળ વિકેટકીપર અને બેટ્સમેન રહ્યો છે. એણે 54 ટેસ્ટ મેચના 91 દાવમાં છ સદી સાથે 38.82ની સરેરાશ સાથે 3,300 રન કર્યા છે. સેન્ચુરિયનમાંની પહેલી ટેસ્ટમાં એણે પહેલા દાવમાં 34 અને બીજા દાવમાં 21 રન કર્યા હતા. ડી કોક જોકે મર્યાદિત ઓવરોવાળી ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. એ 124 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને 61 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ પણ રમ્યો છે. આઈપીએલમાં એ 77 મેચમાં રમી ચૂક્યો છે.
ડી કોકે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવાનું કારણ પણ જણાવ્યું છે. એણે કહ્યું છે કે, પોતે એના વૃદ્ધિ પામી રહેલા પરિવાર સાથે પર્યાપ્ત સમય વિતાવવા ઈચ્છે છે. એની પત્ની સશા ગર્ભવતી છે અને જાન્યુઆરીમાં એમનાં પ્રથમ સંતાનને જન્મ આપે એવી ધારણા છે તેથી એણે ભારત સામેની બાકીની બે ટેસ્ટ મેચમાંથી પોતાને બ્રેક આપવાની વિનંતી કરી હતી. દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ મારફત બહાર પાડેલા એક નિવેદનમાં ડી કોકે કહ્યું છે કે, આ નિર્ણય લેવાનું મારે માટે જરાય આસાન નહોતું. મારા ભવિષ્ય માટે હું ઘણા લાંબા સમયથી વિચારતો હતો. મારા જીવનની પ્રાથમિકતા એ છે કે સશા અને હું આ જગતમાં અમારાં પ્રથમ સંતાનને આવકારવા સજ્જ બન્યાં છીએ. મારે મન મારો પરિવાર સર્વસ્વ છે અને હું એને માટે મારો પૂરતો સમય આપવા ઈચ્છું છું. અમારાં જીવનના આ નવા અને રોમાંચક પ્રકરણ વખતે હું મારા પરિવારજનો સાથે રહેવા માગું છું.