મુંબઈમાં ક્રિકેટર પૃથ્વી શૉની કાર પર હુમલો કરાયો

મુંબઈઃ ટીમ ઈન્ડિયાના સદસ્ય પૃથ્વી શૉની કાર પર હુમલો કરાયાનો અહેવાલ છે. આ હુમલો વિલે પાર્લે (પૂર્વ) ઉપનગરની એક ફાઈવ સ્ટાર હોટેલની બહાર કરવામાં આવ્યો છે. અમુક અજાણ્યા ઈસમોએ બેઝબોલ સ્ટીક વડે પૃથ્વીની કારનો કાચ તોડી નાખ્યો હતો અને કારને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.

કહેવાય છે કે, પૃથ્વીએ એના બે પ્રશંસક સાથે સેલ્ફી લેવાની ના પાડતાં તેઓ રોષે ભરાઈ ગયા હતા. પહેલા એમની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આઠ જણના ટોળાએ પૃથ્વીની કાર પર બેઝબોલના બેટ વડે હુમલો કર્યો હતો. આ હુમલા વિશે પૃથ્વીએ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી કાયદાની 384, 143, 148, 149, 427, 504 અને 506 કલમો હેઠળ કથિત ખંડણી અને ગેરકાયદેસર રીતે ટોળું બનાવવાની ફરિયાદ નોંધી છે. આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

ગુરુવારે વહેલી સવારે બનેલા બનાવની વિગત એવી છે કે પૃથ્વી લક્ઝરી હોટેલની ક્લબમાં હતો ત્યારે શકમંદો સેલ્ફી લેવા માટે પૃથ્વીને ઘેરી વળ્યા હતા. પૃથ્વીએ અમુકને સેલ્ફી લેવા દીધી હતી અને અમુકને ના પાડી હતી. એને પરિણામે પેલા લોકો ભડક્યા હતા અને બોલાચાલી થઈ હતી. બાદમાં પૃથ્વી હોટેલની બહાર આવ્યો હતો અને તેની કારમાં બેસીને રવાના થઈ ગયો હતો. પેલા ભડકેલા લોકોએ બીજી કારમાં પૃથ્વીનો પીછો કર્યો હતો અને પૃથ્વીની કાર જોગેશ્વરી લિન્ક રોડ પર પહોંચી ત્યારે શકમંદોએ એની કારને અટકાવી હતી અને બેઝબોલના બેટ વડે તેની પર હુમલો કર્યો હતો. એને કારણે પૃથ્વીની કારનો વિન્ડસ્ક્રીન તૂટી ગયો હતો. ઈન્ટરનેટ પર વાઈરલ થયેલી વીડિયો ક્લિપ્સમાં રોષે ભરાયેલો પૃથ્વી એક મહિલાનાં હાથમાંથી બેટ છીનવતો જોઈ શકાય છે.