પોલીસે શારપોવા, શૂમાકરની સામે ગુરુગ્રામમાં FIR નોંધ્યો, જાણો…

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ રશિયન ટેનિસસ્ટાર મારિયા શારાપોવા, ભૂતપૂર્વ ફોર્મ્યુલા નંબર વન રેસર માઇકલ શૂમાકર અને અન્ય 11 જણ સામે છેતરપિંડી અને ગુનાઇત કાવતરું કરવા માટે કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હીની રહેવાસી મહિલાની ફરિયાદને આધારે વિશ્વાસઘાત અને છેતરપિંડી મામલે FIR નોંધવામાં આવ્યો હતો.

છતરપુરની રહેવાસી શૈફાલી અગ્રવાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2013માં બિલ્ડરના બ્રોશરમાં મારિયા શારાપોવા અને માઇકલ શૂમાકરનું નામ જોઈને તેણે સેક્ટર-73ના પ્રોજેક્ટમાં મૂડીરોકાણ કર્યું હતું. મહિલાની ફરિયાદને આધારે ગુરુગ્રામ પોલીસે બિલ્ડર અને પ્રમોટરની સામે IPCની કલમ 406, 420 અને 120 B હેઠળ FIR નોંધાયેલા મામલે તપાસ શરૂ કરી દીધી છે.

ફરિયાદકર્તાના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ 2016માં પૂરો કરવામાં આવનાર હતો, પણ એ કામ હજી સુધી નથી થયું. તેણે આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પર પોતાના એસોસિયેશન અને એને પ્રોત્સાહનના માધ્યમથી છેતરપિંડીનો ભાગ હોવાનો આરોપ મૂક્યો હતો.

મહિલાનો આરોપ છે કે મેસર્સ રિયલટેક ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ઇન્ડિયા) પ્રા. લિ. અને અન્ય ડેવલપર્સ દ્વારા લક્ઝરી ઘર માટેના પ્રોજેક્ટમાં નાણાં રોકવા માટે પહેલા જાહેરાત દ્વારા લલચાવવામાં આવ્યા હતા. એ પછી બિલ્ડર દ્વારા કેટલાંય જૂઠાણાં ફેલાવવામાં આવ્યાં હતાં. તેણે શારાપોવા અને શૂમાકર પર આશરે રૂ. 80 લાખની છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે.

આ પ્રોજેક્ટના પ્રમોટરોના રૂપે શારાપોવા અને શૂમાકરે ખરીદદારો સાથે કાવતરું રચ્યું હતું, તેણે આરોપ લગાવ્યો હતો કે ટેનિસસ્ટારે સાઇટની વિઝિટ કરી હતી અને એક ટેનિસ એકેડેમી સિવાય સ્પોર્ટ્સ સ્ટોર ખોલવાનું વચન આપ્યું હતું.