નીરજ ચોપરાએ ઝંપલાવ્યું બિઝનેસની દુનિયામાં; OTT સ્ટાર્ટઅપમાં કર્યું ઈન્વેસ્ટમેન્ટ

પાનીપત (હરિયાણા): જેવેલીન થ્રો (ભાલાફેંક) રમતમાં ઓલિમ્પિક્સ-2020 અને વર્લ્ડ ચેમ્પિયનશિપ-2023ના ગોલ્ડ મેડલ વિજેતા બનેલા નીરજ ચોપરાએ બિઝનેસની દુનિયામાં – મનોરંજન ક્ષેત્રમાં ઈન્વેસ્ટર તરીકે પ્રવેશ કર્યો છે. એમણે એક ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મની એક સ્ટાર્ટઅપ કંપનીમાં મૂડીરોકાણ કર્યું છે. સ્ટેજ (Stage) નામની આ સ્ટાર્ટઅપ 2019માં લોન્ચ કરવામાં આવી હતી. નીરજ આ કંપનીના બોર્ડમાં ઈન્વેસ્ટર તરીકે જોડાયા છે.

દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસાનું જતન કરવા, જનતામાં સાંસ્કૃતિક ચેતનાને વધારવા અને વિવિધતામાં એકતાને પ્રોત્સાહિત કરવા માટે સ્ટેજ અને નીરજે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આની જાહેરાત માટે આજે નીરજના પૂર્વજોના ગામ ખંડરા ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રીજનલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર સક્રિય સ્ટેજ કંપનીના 60 લાખથી વધારે ઈન્સ્ટોલેશન થઈ ચૂક્યા છે અને તેના 5.5 લાખથી વધારે પેડ સબ્સક્રાઈબર્સ છે. સ્ટેજ ઓટીટી એપ્લિકેશન સ્થાનિક બોલી અને ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે જાણીતી છે. તે સ્થાનિક બોલી અને ભાષાઓમાં ફિલ્મો, કવિતાઓ અને પ્રેરણાત્મક સામગ્રી પૂરી પાડે છે. આ સ્ટાર્ટઅપ ‘બોલિયોંકી ક્રાંતિ’ ઝુંબેશ માટે જાણીતી છે.