માઉન્ટ મોન્ગેનુઈ – વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે એક વધુ ઈતિહાસ સર્જ્યો છે. આજે અહીં બૅ ઓવલ મેદાન પર રમાઈ ગયેલી પાંચમી અને શ્રેણીની છેલ્લી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ પણ જીતીને લઈને ન્યૂઝીલેન્ડને એની જ ધરતી પર T20 સિરીઝમાં 5-0થી હરાવી વ્હાઈટવોશ પરાજય આપનાર ટીમ ઈન્ડિયા દુનિયાની પહેલી જ ટીમ બની છે.
આજની મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ, બંને ટીમ તેમના રેગ્યૂલર કેપ્ટન વિના રમી હતી. વિરાટ કોહલી અને કેન વિલિયમ્સન મેચમાં રમ્યા નહોતા અને એમની જગ્યાએ અનુક્રમે રોહિત શર્મા તથા ટીમ સાઉધીએ પોતપોતાની ટીમનું નેતૃત્ત્વ કર્યું હતું. રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.
ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં 3 વિકેટે 163 રન કર્યા હતા. ઓપનિંગમાં લોકેશ રાહુલ (45)ની સાથે સંજુ સેમસન જોડાયો હતો. પણ એ માત્ર 2 જ રન કરી શક્યો હતો. રોહિત શર્મા વન-ડાઉન આવ્યો હતો અને 41 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 60 રન કર્યા હતા. પગની પીંડીમાં દુખાવો થતાં એને દાવ પડતો મૂકીને પેવિલિયનમાં પાછા ફરવું પડ્યું હતું. શિવમ દુબે માત્ર પાંચ રન કરીને આઉટ થયો હતો. છેલ્લે, શ્રેયસ ઐયર 33 રન કરીને અને મનીષ પાંડે 11 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
ન્યૂઝીલેન્ડના દાવમાં બે અડધી સદી નોંધાઈ હતી. વિકેટકીપર ટીમ સાઈફર્ટે 30 બોલમાં 50 રન (પાંચ ચોગ્ગા, 3 છગ્ગા) સાથે ફટકાર્યા હતા તો રોસ ટેલર 53 રન કરીને આઉટ થતાં ન્યૂઝીલેન્ડની લડતનો અંત આવી ગયો હતો.
ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં એક જ ઓવરમાં સૌથી વધારે રન આપનાર બોલરોમાં દુબે બીજા નંબરે છે. પહેલા નંબરે ઈંગ્લેન્ડનો ક્રિસ બ્રોડ છે – 36 રન. 2007માં ડરબનમાંની મેચમાં યુવરાજ સિંહે બ્રોડની ઓવરમાં 36 રન ફટકાર્યા હતા.
લોકેશ રાહુલને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.
વિદેશની ધરતી પર ભારતે મેળવેલા ક્લીન સ્વીપ વિજય (3 કે તેથી વધુ મેચો)
3-0 ઓસ્ટ્રેલિયા સામે – ઓસ્ટ્રેલિયામાં 2015/16
3-0 વેસ્ટ ઈન્ડિઝ સામે – અમેરિકા/વેસ્ટ ઈન્ડિઝમાં 2019
5-0 ન્યૂઝીલેન્ડ સામે – ન્યૂઝીલેન્ડમાં 2020