મુંબઈ – વેસ્ટ ઈન્ડિઝના એક મહિનાનાં પ્રવાસ માટે રવાના થવાની પૂર્વસંધ્યાએ, આજે અહીં પત્રકાર પરિષદમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અનેક બાબતે સ્પષ્ટતા કરી દીધી છે.
કોહલીએ કહ્યું કે ભારતીય ટીમમાં કોઈ વિખવાદ નથી. મારી અને રોહિત શર્મા વચ્ચે મતભેદો સર્જાયા હોવાના અહેવાલો ખોટા છે.
બે દિવસથી એવા સમાચાર વહેતા થયા હતા કે કોહલી અને ટીમના વાઈસ-કેપ્ટન રોહિત શર્મા વચ્ચે અણબનાવ થયો છે. શર્માએ સોશિયલ મિડિયા પર કોહલી અને એની પત્ની અનુષ્કા શર્માને અનફોલો કરતાં આ અણબનાવની અફવા વધારે ઘેરી બની હતી. આજે એ વિશેના સવાલના જવાબમાં કોહલીએ કહ્યું કે મારી અને રોહિત વચ્ચે કોઈ પ્રકારનો અણબનાવ કે મતભેદ નથી.
પત્રકાર પરિષદમાં કોહલીની સાથે ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી પણ ઉપસ્થિત હતા.
કોહલીએ કહ્યું કે, ભારતની વન-ડે ઈન્ટરનેશનલ ટીમ સંતુલિત છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટ્વેન્ટી-20 મેચો રમવા માટે હું બહુ જ આતુર છું. ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓ છે જેમણે આઈપીએલમાં સરસ દેખાવ કર્યો હતો.
ઈંગ્લેન્ડ-વેલ્સમાં તાજેતરમાં જ રમાઈ ગયેલી આઈસીસી વર્લ્ડ કપ-2019 સ્પર્ધા વિશેના પ્રશ્નના જવાબમાં કોહલીએ કહ્યું કે, ભારતીય ટીમ વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચી ન શકી એનું અમને બહુ જ દુઃખ છે, પણ હવે અમારું સઘળું ધ્યાન આગામી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા પર છે.
આઈસીસી યોજિત આગામી ટેસ્ટ ચેમ્પિયનશિપ વિશે પૂછતાં કોહલીએ કહ્યું કે એ બહુ સારી બાબત છે. ક્રિકેટની રમતના ઉત્તેજન માટે એ બહુ જ જરૂરી છે.
3 ઓગસ્ટથી શરૂ થનાર વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં ભારતીય ટીમ 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ, 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને બે ટેસ્ટ મેચોની સીરિઝ રમશે. એ ટેસ્ટ મેચોમાં રમીને ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનાં પડકારનો આરંભ કરશે.