મેરી કોમનો ગોલ્ડન પંચ; ઈન્ડોનેશિયાની સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ મેડલ

જકાર્તા – છ વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલાં મેરી કોમે ઈન્ડોનેશિયાના લાબુઆન બાજો શહેરમાં આયોજિત 23મી પ્રેસિડન્ટ્સ કપ બોક્સિંગ સ્પર્ધામાં 51 કિ.ગ્રા. વજન વર્ગની ફાઈનલ જીતીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

મેરી કોમે ઓસ્ટ્રેલિયાની એપ્રિલ ફ્રાન્ક્સ નામની બોક્સરને 5-0થી પરાજય આપ્યો હતો.

36 વર્ષનાં મેરીએ હજી ગયા મે મહિનામાં જ ઈન્ડિયા ઓપન બોક્સિંગ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. જોકે એમણે એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનું ટાળ્યું હતું, કારણ કે તેઓ ઓલિમ્પિક ક્વાલિફાઈંગ સ્પર્ધા માટે તૈયારી કરતાં હતાં.

મેરી કોમે ઓલિમ્પિક્સમાં કાંસ્યચંદ્રક જીત્યો હતો.

શનિવારે પ્રેસિડેન્ટ્સ કપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મુકાબલામાં મેરીને જરાય મહેનત કરવી પડી નહોતી. એમણે બાદમાં પોતાનો મંચ પરનો વિડિયો એમનાં ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો. એમણે કેપ્શનમાં લખ્યું છેઃ ‘ પ્રેસિડન્ટ કપ, ઈન્ડોનેશિયામાં મારા અને મારા દેશ માટે ગોલ્ડ મેડલ. જીતનો અર્થ થાય છે કે તમારે હજી લાંબે સુધી જવું છે, વધારે મહેનત કરવી છે અને બીજા કોઈ પણ કરતાં વધારે સારો દેખાવ કરવો છે.’

મેરીએ પોતાનાં આ દેખાવ બદલ એમનાં કોચ તથા બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફનો આભાર માન્યો છે.

મણિપુરનિવાસી આ બોક્સરે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન કિરન રિજીજુનો પણ આભાર માન્યો છે.

એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનું ટાળ્યા બાદ મેરીએ વિશ્વ બોક્સિંગ સ્પર્ધા પૂર્વે પ્રોફેશનલ મુકાબલાઓનો અનુભવ લેવા માટે ઈન્ડોનેશિયાની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

મેરી કોમે ગયા વર્ષે દિલ્હીમાં એમની કારકિર્દીની છઠ્ઠું આંતરરાષ્ટ્રીય ટાઈટલ જીત્યું હતું.

હવે એમણે એમનું ધ્યાન 2020ની ટોકિયો ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે આવતી 7-21 સપ્ટેંબરે રશિયામાં યોજાનાર મહિલાઓની વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ પર કેન્દ્રિત કર્યું છે.