વેલિંગ્ટન – ન્યૂઝીલેન્ડની ટીમે આજે અહીં વેસ્ટપેક સ્ટેડિયમ ખાતે ભારતને પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 80-રનના બહોળા માર્જિનથી પરાજીત કરી દીધી છે અને ત્રણ-મેચોની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
ન્યૂઝીલેન્ડની ટીમે ઓલરાઉન્ડ દેખાવ દ્વારા ભારત પર જીત મેળવી છે.
ગૃહ ટીમે ભારત સામે 220 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. ભારતીય બેટ્સમેનો કિવી બોલરોની શિસ્તબદ્ધ બોલિંગ સામે ટકી શક્યા નહોતા અને 19.2 ઓવરમાં માત્ર 139 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.
ભારતે કેપ્ટન રોહિત શર્માનાં રૂપમાં પહેલી વિકેટ ત્રીજી જ ઓવરમાં ગુમાવી હતી. રોહિત માત્ર 1 રન કરી શક્યો હતો.
બે ઓવર બાદ શિખર ધવન (29) આઉટ થયો હતો. એણે 18 બોલના દાવમાં 3 સિક્સર અને બે બાઉન્ડરી ફટકારી હતી.
ધવનની વિકેટ પડ્યા બાદ કિવી બોલરોએ ભારતના દાવ પર વર્ચસ્વ જમાવી દીધું હતું. વિજય શંકર 27, રિષભ પંત 4, દિનેશ કાર્તિક 5 અને હાર્દિક પંડ્યા પણ પાંચ રન કરીને આઉટ થયો હતો.
વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ થોડોક પ્રતિકાર કર્યો હતો અને કૃણાલ પંડ્યા (20) પણ એને સાથ આપ્યો હતો. ધોની 31 બોલમાં 39 રન કરીને આઉટ થયો હતો.
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટીમ સાઉધીએ 3 વિકેટ ઝડપી હતી. લોકી ફર્ગ્યૂસન, મિચેલ સેન્ટનર અને ઈશ સોઢીએ બે-બે વિકેટ મેળવી હતી.
અગાઉ, રોહિત શર્માએ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને પહેલા બેટિંગ કરવા કહ્યું હતું. ન્યૂઝીલેન્ડના દાવનો ટોપ સ્કોરર બન્યો હતો ઓપનર અને વિકેટકીપર ટીમ સેઈફર્ટ. એણે આક્રમક બેટિંગ કરીને 43 બોલમાં 84 રન કર્યા હતા. એણે 6 સિક્સર ફટકારી હતી.
મેચ બાદ, રોહિત શર્માએ કહ્યું હતું કે આજની હાર માટે એની ટીમની કંગાળ બેટિંગ જવાબદાર છે. આમ તો, ગૃહ ટીમે અમને રમતનાં બધા જ વિભાગોમાં માત કર્યા હતા. 200નો ટાર્ગેટ અમારે માટે કઠિન બનશે એની અમને પહેલેથી ખબર હતી. અમે વિકેટો ગુમાવતા રહ્યા અને એને કારણે અમે મેચ ખોઈ બેઠાં. આજની મેચ માટે અમે 8 બેટ્સમેનોને પસંદ કર્યા હતા, પણ એવી કોઈ મોટી ભાગીદારી થઈ શકી નહીં, પરિણામે ટાર્ગેટ કઠિન બનતો ગયો.
આ જ રોહિત શર્માની કાર્યવાહક આગેવાની હેઠળ ભારતે ન્યૂઝીલેન્ડને પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીમાં 4-1થી પરાજય આપ્યો હતો.
બીજી ટ્વેન્ટી-20 મેચ 8 ફેબ્રુઆરીએ ઓકલેન્ડમાં રમાશે.
ટૂંકો સ્કોરઃ
ન્યૂઝીલેન્ડ 219-6 – 20 ઓવર (ટીમ સેઈફર્ટ 84, કોલીન મુનરો 34, હાર્દિક પંડ્યા 51 રનાં 2 વિકેટ). ભારત 139 – 19.2 (ધોની 39, ધવન 29, ટીમ સાઉધી 17 રનમાં 3 વિકેટ).