કુલદીપ યાદવ છે વિદેશની ધરતી પર ભારતનો નંબર-1 સ્પિનરઃ રવિ શાસ્ત્રી

વેલિંગ્ટન – ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે વિદેશની ધરતી પરની મેચો માટે હવે કુલદીપ યાદવ ભારતનો નંબર-વન સ્પિનર બની ગયો છે. એણે અનુભવી ઓફ્ફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પાછળ રાખી દીધો છે.

આ વર્ષે સિડનીમાં રમાઈ ગયેલી ટેસ્ટ મેચમાં ‘ચાઈનામેન’ બોલર કુલદીપ યાદવે કરેલા પાંચ વિકેટના જબરદસ્ત દેખાવને ધ્યાનમાં લઈને શાસ્ત્રીએ ઉપર મુજબ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

શાસ્ત્રીએ કહ્યું છે કે ટેસ્ટ ક્રિકેટમાં હવે રિસ્ટ સ્પિનર્સનું જોર વધશે અને અશ્વિન તથા રવિન્દ્ર જાડેજા કરતાં કુલદીપ પોતાને ભારતના નંબર-1 સ્પિનર તરીકે સ્થાપિત કરવામાં સફળ થઈ ગયો છે.

‘ક્રિકબઝ’ વેબસાઈટને આપેલી મુલાકાતમાં શાસ્ત્રીએ કહ્યું કે કુલદીપ વિદેશમાં ટેસ્ટ ક્રિકેટ રમે છે અને પાંચ-પાંચ વિકેટ લે છે. તેથી વિદેશની ધરતી પર આપણો નંબર-1 સ્પિનર બન્યો છે. આગળ જતાં જો આપણે કોઈ ટેસ્ટ મેચમાં એક જ સ્પિનર સાથે રમવાનું આવે તો અમે માત્ર કુલદીપને જ પસંદ કરીશું.

શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે દરેક ખેલાડી માટે સારો સમયગાળો આવતો જ હોય છે. કુલદીપ અત્યારે આપણો નંબર-1 દરિયાપાર સ્પિનર છે.

સિડની ટેસ્ટ મેચમાં કુલદીપે પાંચ વિકેટ લીધી હતી અને મોટા ભાગના ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો એની બોલિંગને સમજી શક્યા નહોતા.

શાસ્ત્રીએ કહ્યું કે કુલદીપે સિડની ટેસ્ટમાં જે રીતે બોલિંગ કરી હતી એનાથી હું બેહદ પ્રભાવિત થયો હતો. કહેવું પડશે કે હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ રિસ્ટ સ્પિનનો જમાનો જામશે.