‘કેપ્ટન Cool’ ધોની પર 39મા જન્મદિવસે શુભેચ્છાનો વરસાદ

નવી દિલ્હીઃ 538 ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચો રમી ચૂકેલા પૂર્વ ભારતીય કેપ્ટન અને અનુભવી વિકેટ કીપર મહેન્દ્ર સિંહ ધોનીનો આજે 39મો જન્મદિવસ છે. એની પર દેશ-વિદેશભરમાંથી પ્રશંસકો, સાથી ક્રિકેટરો તથા મિત્રો તરફથી શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. ડિસેમ્બર 2004માં ધોનીએ બાંગ્લાદેશ સામેની વન-ડે મેચ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. એક વર્ષ બાદ ચેન્નઈમાં શ્રીલંકા વિરુદ્ધની મેચમાં રમીને તેણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ધોનીએ આશરે એક દાયકાથી પણ વધારે સમય સુધી વિકેટકીપર, બેટ્સમેન, કેપ્ટન સહિતની ભૂમિકાઓ સફળતાપૂર્વક નિભાવી છે. ધોનીએ 90 ટેસ્ટ મેચોમાં 38.9ની એવરેજથી 4,876 રન બનાવ્યા છે. તે અત્યારસુધીમાં 350 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે કે જેમાં 50.57ની એવરેજ સાથે 10,773 રન બનાવ્યા છે. ધોનીએ ભારત માટે 98 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં 37.60ની એવરેજથી 1,617 રન બનાવ્યા છે. ધોનીના નેતૃત્ત્વ હેઠળ ભારત માટે ત્રણેય આઈસીસી વર્લ્ડ ટ્રોફી જીતી છે.

મહાન ખેલાડીએ કારકિર્દીમાં હાંસલ કરેલી કેટલીક સિદ્ધિઓ અને વિક્રમો વિશે જાણોઃ

  • મહેન્દ્ર સિંહ ધોની ભારતનો ચોથો અને દુનિયાનો 12મો પ્લેયર છે કે જેણે વન-ડે ક્રિકેટમાં 10,000 કે તેથી વધારે રન બનાવ્યા છે. આ સફળતા તેણે 273 મેચો રમ્યા બાદ જુલાઈ 2018માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ રમતી વખતે મેળવી હતી.
  • ધોનીએ વર્ષ 2005માં શ્રીલંકા વિરુદ્ધની મેચમાં શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર (183* રન) બનાવ્યો હતો. જે એ દુનિયાનો પાંચમો અને ભારતનો પહેલો જ બેટ્સમેન છે કે જેણે વન-ડે ક્રિકેટમાં 200 સિક્સર મારી છે.
  • ટેસ્ટ ક્રિકેટમાં 4000 રન બનાવનાર ધોની ભારતનો પહેલો વિકેટકીપર છે. તેનો શ્રેષ્ઠ સ્કોર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ – 224 છે. કોઈ ભારતીય વિકેટકીપરે નોંધાવેલા આ હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર છે.
  • ત્રણેય ફોર્મેટમાં વિકેટની પાછળ રહીને તેણે 829 બેટ્સમેનોને આઉટ કર્યા છે. દુનિયામાં દક્ષિણ આફ્રિકાના માર્ક બાઉચર (998) અને ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ (829), એમ માત્ર બે જ જણથી એ પાછળ છે. ટોપ થ્રીમાં ત્રીજા ક્રમે છે.
  • પોતાની કરિઅરના શરુઆતના દિવસોમાં – 2007માં ધોનીને ટ્વેન્ટી-20 ટીમનું સુકાન સોંપવામાં આવ્યું હતું. ધોનીની કેપ્ટનશીપમાં જ ભારતે વર્ષ 2007નો પ્રારંભિક ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો.
  • ધોનીની કેપ્ટનશીપમાં ભારત 200 વન-ડે રમ્યું છે જેમાંથી 110માં જીત અને 74માં હાર મળી છે. ધોનીએ 60 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરી હતી જેમાંથી 27 મેચમાં ભારતને જીત મળી છે. ધોનીએ 72 T-20 મેચોમાં કેપ્ટન તરીકે જવાબદારી વિભાવતા 41માં ભારતને જીત અપાવી છે.
  • ધોનીએ ભારત માટે અત્યારસુધી સૌથી વધારે 200 વન-ડે મેચોમાં કેપ્ટન તરીકે જવાબદારી નિભાવી છે.
  • ધોનીને 2007માં ભારતના સર્વોચ્ચ ખેલ એવોર્ડ – ‘રાજીવ ગાંધી ખેલરત્ન’થી સમ્માનિત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 2018માં ધોનીને ‘પદ્મ ભૂષણ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
  • ધોની વિશ્વનો એકમાત્ર એવો કેપ્ટન છે કે જેની કેપ્ટનશીપમાં ટીમે ત્રણેય આઈસીસી વર્લ્ડ ટ્રોફી જીતી છે. વર્ષ 2007 ટ્વેન્ટી-20 વર્લ્ડકપ, 2011માં 50-ઓવરોવાળી ODI વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી પર ભારતે કબજો મેળવ્યો હતો.
  • મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે ત્રણ વાર વિજેતાપદ હાંસલ કર્યું છે. ધોનીએ આઈપીએલની 190 મેચોમાં 42.40ની જોરદાર એવરેજ સાથે 4432 રન બનાવ્યા છે.
  • કેપ્ટન તરીકે આઈપીએલમાં મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધારે 104 મેચ જીતી બતાવી છે. આમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે 99 અને પૂણે સુપર જાયન્ટ્સ ટીમ માટે 5 મેચોનો સમાવેશ થાય છે.
  • મહેન્દ્ર સિંહ ધોનીના નામે આઈપીએલમાં સૌથી વધારે 9 વાર ફાઈનલ રમવાનો રેકોર્ડ નોંધાયેલો છે. આમાં તેણે ચેન્નઈ તરફથી 8 વાર ફાઈનલ રમતા ટીમને 3 વાર વિજેતા ટ્રોફી અપાવી છે.

https://twitter.com/i/status/1280436054919692290