નવી દિલ્હીઃ ક્રિકેટર મોહમ્મદ શમી હાલમાં IPLમાં વ્યસ્ત છે, પરંતુ એની પત્ની હસીન જહાં કોર્ટ-કચેરીના કામમાં વ્યસ્ત છે. હસીન જહાંએ હાઇકોર્ટથી નિરાશ થયા પછી સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં છે અને તલાક માટે સમાન કાયદાઓની માગ કરી છે. તેણે મુસ્લિમ પુરુષોને તલાકનો એકાધિકાર આપતા તલાક એ હસન અને ન્યાયિક દાયરાથી બહાર તલાકની અન્ય પ્રચલિત પરંપરાઓને રદ કરવાની માગ અરજીમાં કરી છે. સુપ્રીમ કોર્ટે આ અરજીનો સ્વીકાર કરી લીધો છે અને કેન્દ્ર સાથે મહિલા પંચને પણ નોટિસ જારી કરી છે.
હસીન જહાંની અરજીનો સુપ્રીમ કોર્ટે સ્વીકાર કરી લીધો છે, પરંતુ શમીને રાહત મળી ગઈ છે. કોર્ટે આ મામલામાં શમીને પક્ષકાર બનાવવાની માગ ફગાવી દીધી છે. હાલ શમી અને હસીન જહાં અલગ રહી રહ્યા છે, પણ બંનેના કાનૂની રીતે તલાક નથી થયા.
શમીને પ્રતિ મહિને રૂ. 1.30 લાખ પત્નીને ભથ્થું આપવાનું હોય છે, જેમાં રૂ. 80,000 તેમની પુત્રીના પાલનપોષણ માટે હોય છે. બાકીના પૈસા હસીન જહાંની જરૂરતોને પૂરી કરવા માટે કોર્ટે નિર્ધારિત કર્યા છે.