જકાર્તા – ગયા વખતની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતના પુરુષોની હોકી ટીમને આ વખતની ગેમ્સમાં મોટો આંચકો ખાવો પડ્યો છે. આજે રમાઈ ગયેલી સેમી ફાઈનલ મેચમાં ભારે રોમાંચક ક્ષણો બાદ મલેશિયા સામે એનો સડન ડેથ પરિણામમાં 6-7 ગોલથી પરાજય થયો હતો.
ફૂલ ટાઈમ વખતે બંને ટીમ 2-2થી સમાન રહી હતી.
ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં પણ બંને ટીમ સમાન રહ્યા બાદ સડન ડેથનો આશરો લેવો પડ્યો હતો.
આ પરાજય સાથે સતત બીજી એશિયન ગેમ્સની ફાઈનલમાં અને કુલ 13મી વાર ફાઈનલમાં પ્રવેશ કરવાનું ભારતનું સપનું રોળાઈ ગયું છે.
ભારતે 2014ની ઈંચિયોન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.
હવે ફાઈનલમાં, મલેશિયાનો મુકાબલો પાકિસ્તાન અથવા જાપાન વચ્ચેની બીજી સેમી ફાઈનલ મેચની વિજેતા ટીમ સામે થશે.
હરમનપ્રીત સિંહે 33મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. ત્યારબાદ વરુણ કુમારે 40મી મિનિટે ગોલ કર્યો હતો. ભારતના બંને ગોલ પેનલ્ટી કોર્નર પરથી થયા હતા.
મલેશિયાનો પહેલો ગોલ 40મી મિનિટે અને બીજો 59મી મિનિટે થયો હતો.
ફૂલ ટાઈમ સુધીમાં ભારતને 7 પેનલ્ટી કોર્નર મળ્યા હતા જેમાંના પાંચ એણે વેડફી નાખ્યા હતા. મલેશિયાને 6 કોર્નર મળ્યા હતા.