નવી દિલ્હી – ભારતના એક સમયના ફાયરબ્રાન્ડ બેટ્સમેન રહી ચૂકેલા વિરેન્દર સેહવાગને રાજકારણમાં પડવાનો કોઈ રસ નથી. કહેવાય છે કે આગામી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ દિલ્હી મતવિસ્તારમાંથી ઊભા રહેવાની ભારતીય જનતા પાર્ટીએ કરેલી ઓફરને એણે નકારી કાઢી છે.
આ સીટ પર હાલ ભાજપના પરવેશ વર્મા સંસદસભ્ય છે.
સેહવાગે અંગત કારણો દર્શાવીને ભાજપની ઓફર નકારી કાઢી છે, એમ સમાચાર સંસ્થા પીટીઆઈએ દિલ્હી ભાજપના એક નેતાને કહેતા ટાંક્યા છે.
સેહવાગે કહ્યું છે કે એને રાજકારણમાં કે ચૂંટણી લડવામાં કોઈ રસ નથી, એવું આ નેતાએ કહ્યું છે.
સેહવાગે આ ત્રીજી વાર રાજકારણમાં પડવાની સત્તાવાર રીતે ના પાડી છે.
ગયા ફેબ્રુઆરીમાં એવી અફવાએ જોર પકડ્યું હતું કે સેહવાગ રાજકારણમાં પડશે. એ વખતે એવી વાતો ચગી હતી કે સેહવાગ હરિયાણાના રોહતક શહેરમાં ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડશે.
જોકે સેહવાગે ત્યારે એ અહેવાલોને રદિયો આપ્યો હતો અને પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે અમુક બાબતો ક્યારેય બદલાતી નથી જેમ કે અફવા. 2014માં પણ આવી જ અફવા ઉડી હતી અને હવે 2019માં ઉડી છે. મને ત્યારે પણ રસ નહોતો અને અત્યારે પણ નથી. #BaatKhatam
ગયા વર્ષના જુલાઈમાં, કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોર અને દિલ્હી ભાજપના પ્રમુખ મનોજ તિવારી ભાજપની ‘સંપર્ક ફોર સમર્થન’ ઝુંબેશના ભાગરૂપે સેહવાગને મળ્યા હતા એને પગલે એવી અફવા ઉડી હતી કે સેહવાગ ભાજપમાં જોડાશે.
લોકસભાની ચૂંટણી 11 એપ્રિલથી શરૂ થશે. સાત તબક્કાની ચૂંટણીમાં આખરી તબક્કાનું મતદાન 19 મેએ થશે અને 23 મેએ પરિણામ આવશે. દિલ્હીમાં 12 મેએ મતદાનનો દિવસ છે. દિલ્હીમાં લોકસભાની 7 બેઠકો છે અને ભાજપે હજી સુધી પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કર્યા નથી.
સેહવાગ ભારત વતી 104 ટેસ્ટ મેચો, 251 વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને 19 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમ્યા હતા. એમણે 17 હજારથી પણ વધુ આંતરરાષ્ટ્રીય રન કર્યા હતા.