ટોકિયો-2020 માટે રેસવોકર ઈરફાન ક્વોલિફાય…

રાષ્ટ્રીય વિક્રમધારક રેસ વોકર કે.ટી. ઈરફાન આવતા વર્ષે ટોકિયોમાં રમાનાર ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય થનાર પહેલો ભારતીય એથ્લીટ બન્યો છે. જાપાનના નોમી શહેરમાં આયોજિત એશિયન રેસ વોકિંગ ચેમ્પિયનશિપમાં 20 કિ.મી.ની રેસમાં ઈરફાન ચોથા ક્રમે આવતાં ક્વોલિફાય થયો છે.

કેરળના 29 વર્ષીય ઈરફાને એક કલાક, 20 મિનિટ અને 57 સેકંડનો સમય લીધો હતો. ટોકિયો ઓલિમ્પિક્સ ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ સમય 1 કલાક, 21 મિનિટ કરતાં સારો સમય નોંધાવવામાં એ સફળ થયો છે.

રેસ વોક અને મેરેથોન દોડ માટેની ઓલિમ્પિક્સ ક્વોલિફિકેશન સ્પર્ધા આ વર્ષની 1 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે અને 2020ની 31 મે સુધી ચાલશે. અન્ય તમામ એથ્લેટિક્સ રમતો માટે ઓલિમ્પિક ક્વોલિફિકેશનનો સમયગાળો આ વર્ષની 31 મેથી શરૂ થશે અને આવતા વર્ષની 29 જૂન સુધી ચાલશે.

ટોકિયો ઓલિમ્પિક્સ માટે ઈરફાન ઉપરાંત હજી બીજો કોઈ ભારતીય એથ્લીટ ક્વોલિફાય થયો નથી.

ઈરફાનનો અંગત રીતે શ્રેષ્ઠ સમય 1 કલાક, 20 મિનિટ 21 સેકંડનો છે, જે સાથે એ રાષ્ટ્રીય વિક્રમધારક બન્યો છે. 2012ની ઓલિમ્પિક્સમાં એ 10મા સ્થાને આવ્યો હતો. એ આ વર્ષે 27 સપ્ટેંબરથી દોહા (કતર)માં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાય થયો છે. એ માટેની સ્પર્ધામાં એણે 1 કલાક, 22 મિનિટ 30 સેકંડનો સમય નોંધાવ્યો હતો.

‘મિરાઈતોવા’ છે જાપાન ઓલિમ્પિક્સનું મેસ્કોટ અથવા પ્રતિક.

ઈરફાન ગયા મહિને ચેન્નાઈમાં યોજાઈ ગયેલી રાષ્ટ્રીય ઓપન રેસ વોક સ્પર્ધામાં 20 કિ.મી.ની હરીફાઈમાં વિજેતા બન્યો હતો. એણે એક કલાક, 26 મિનિટ 18 સેકંડનો સમય નોંધાવ્યો હતો.

ઈરફાન તથા અન્ય એક ભારતીય એથ્લીટને 2018ની ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. એ વખતે એણે ગેમ્સને લગતા અમુક નિયમોનો ભંગ કર્યો હતો. એ 2018ની એશિયન ગેમ્સની 20 કિ.મી. રેસ વોકમાં ડિસ્ક્વોલિફાય થયો હતો. એને ‘લોસ ઓફ કોન્ટેક્ટ’ વોર્નિંગ ત્રણ વાર આપવામાં આવતાં એ ગેરલાયક ઠર્યો હતો.

ક્વોલિફિકેશન રેસમાં જાપાનનો એથ્લીટ 1 કલાક, 17 મિનિટ 15 સેકંડ સાથે પહેલો આવ્યો હતો જ્યારે કઝાખસ્તાનનો એથ્લીટ 1:20:21 સાથે બીજો અને કોરિયાનો એથ્લીટ 1:20:40 સમય સાથે ત્રીજો આવ્યો હતો.

પુરુષોની 20 કિ.મી. રેસ વોકમાં એશિયન તથા વર્લ્ડ રેકોર્ડ જાપાનના યુસુકે સુઝુકીના નામે છે – 1 કલાક, 16 મિનિટ 36 સેકંડ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]