કોલકાતા – વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકના નેતૃત્વ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે આઈપીએલ-11 સ્પર્ધામાં આજે એક વધુ અવરોધ પાર કર્યો છે. અહીં ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાઈ ગયેલી ‘એલિમિનેટર’ મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમને 25-રનથી હરાવીને એ ‘ક્વોલિફાયર-2’ મેચમાં રમવા માટે ક્વોલિફાય થઈ છે.
હવે 25 મેએ ઈડન ગાર્ડન્સમાં જ કોલકાતા ટીમનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે, જેનો ક્વોલિફાયર 1 મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પરાજય થયો છે. ચેન્નાઈ ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. ફાઈનલ મેચ 27 મેએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે.
આજે કોલકાતા નાઈટ રાઈડર્સે તેના હિસ્સાની 20 ઓવરમાં 7 વિકેટે 169 રન કર્યા હતા. એના જવાબમાં રાજસ્થાન રોયલ્સે સારો પ્રારંભ કર્યા બાદ પકડ ગુમાવી દીધી હતી અને 20 ઓવરમાં 4 વિકેટના ભોગે માત્ર 144 રન કર્યા હતા.
રાહુલ ત્રિપાઠી 20 રન કરીને 47 રનના સ્કોર પર આઉટ થયા બાદ રહાણે (46) અને સંજુ સેમસન (50) વચ્ચે 62 રનની ભાગીદારી થઈ હતી. આ જોડીએ રાજસ્થાનની જીતની આશા બળવાન બનાવી હતી, પણ આ બંને બેટ્સમેન આઉટ થતા રાજસ્થાનને મોટો ફટકો પડ્યો હતો. વિકેટકીપર હેન્રિક ક્લાસેન 18 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
એ પહેલાં, કોલકાતાના દાવમાં એનો કેપ્ટન દિનેશ કાર્તિક ફરી ચમક્યો હતો અને એક વધુ હાફ સેન્ચુરી ફટકારી હતી. એણે 38 બોલમાં 4 ચોગ્ગા અને બે છગ્ગા બાવન રન કર્યા હતા અને ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. આન્દ્રે રસેલે 25 બોલમાં પાંચ છગ્ગા અને 3 ચોગ્ગા ફટકારીને 49 રન ઝૂડી કાઢ્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો.