નાગપુર – ભારતે આજે અહીં વિદર્ભ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ પર તેના કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી અને બોલરોની શિસ્તબદ્ધ બોલિંગના જોરે ઓસ્ટ્રેલિયાને બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 8-રનથી હરાવીને પાંચ-મેચોની સીરિઝમાં 2-0ની સરસાઈ મેળવી છે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતની ટીમ 48.2 ઓવરમાં 250 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 242 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ત્રીજી મેચ 8 માર્ચે રાંચીમાં રમાશે.
કોહલીની 40મી વન-ડે સદી અને વિજય શંકરના 46 રનને બાદ કરતાં બીજો કોઈ બેટ્સમેન ઉલ્લેખનીય સ્કોર કરી શક્યો નહોતો. વિજય 41 બોલમાં 46 રન કરીને રનઆઉટ થયો હતો.
કોહલીએ તેના 115 રન 120 બોલમાં, 10 ચોગ્ગાની મદદથી ફટકાર્યા હતા. રોહિત શર્મા પહેલી જ ઓવરમાં ઝીરો પર આઉટ થઈ જતાં કોહલીને એ જ ઓવરમાં બેટિંગ કરવા ઉતરવું પડ્યું હતું. એ લગભગ દાવના આખર સુધી ક્રીઝ પર રહ્યો હતો અને ધૈર્યપૂર્વક બેટિંગ કરી હતી. એને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.
કોહલી અને વિજયે 81 રનની મહત્ત્વની ભાગીદારી કરીને ભારતના દાવને સ્થિરતા આપી હતી. 29મી ઓવરમાં એડમ ઝમ્પાએ વિજયને રનઆઉટ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ દાવનો આરંભ સારો કર્યો હતો. ફિન્ચ (37) અને ઉસમાન ખ્વાજા (38)એ 83 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. પરંતુ આ જોડી તૂટ્યા બાદ પ્રવાસી ટીમની વિકેટ નિયમિત અંતરે પડતી રહી હતી.
ડાબોડી રીસ્ટ સ્પિનર કુલદીપ યાદવ 10 ઓવરમાં 54 રન આપીને 3 વિકેટ સાથે ભારતનો બેસ્ટ બોલર રહ્યો હતો. જસપ્રીત બુમરાહ અને વિજય શંકરે 2-2 વિકેટ લીધી હતી.
મેચની છેલ્લી ઓવર ફેંકવા કેપ્ટન કોહલીએ વિજય શંકરને પસંદ કર્યો હતો અને વિજયે ઓવરના પહેલા બોલે માર્કસ સ્ટોઈનીસ (52) અને ત્રીજા બોલે એડમ ઝમ્પા (2)ને આઉટ કરી દેતાં ઓસ્ટ્રેલિયાના દાવનો અને મેચનો અંત આવી ગયો હતો. વાસ્તવમાં, ઓસ્ટ્રેલિયાને આ મેચમાં ધ્વસ્ત કરવા માટે ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર ધોનીએ એક ચક્રવ્યૂહ ઘડ્યો હતો અને છેલ્લી ઓવર શંકર પાસે ફેંકાવવાની કોહલીને સલાહ આપી હતી. આ ચક્રવ્યૂહ ઘડવામાં ધોની સાથે વાઈસ-કેપ્ટન રોહિત શર્મા પણ જોડાયો હતો. કોહલીએ મેચ બાદ કહ્યું હતું કે, ‘હું તો 46મી ઓવર શંકર પાસે ફેંકાવવા માગતો હતો, પણ ધોની-રોહિતે બુમરાહ અને શમી પાસે બોલિંગ ચાલુ રાખવાની અને છેલ્લી ઓવર શંકર પાસે ફેંકાવવાની સલાહ આપી હતી. શંકરે સીધા સ્ટમ્પ્સ પર જ બોલિંગ કરી હતી અને એ વ્યૂહહ સફળ રહ્યો હતો. એણે 3 બોલમાં બે વિકેટ લીધી હતી. સ્ટોઈનીસ એલબીડબલ્યુ આઉટ થયો અને ઝમ્પા ક્લીન બોલ્ડ થયો હતો.’
કેપ્ટન કોહલીની 40મી વન-ડે સેન્ચુરી
ભારતના દાવમાં, કેપ્ટન વિરાટ કોહલીએ ફાંકડી સદી ફટકારી હતી.
કોહલીએ 107 બોલમાં પોતાના 100 રન પૂરા કર્યા હતા. વ્યક્તિગત 99 રનના સ્કોર પર એણે ફાસ્ટ બોલર નેથન કુલ્ટર-નાઈલની બોલિંગમાં બાઉન્ડરી ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી જે કારકિર્દીમાં 40મી છે.
ઓસ્ટ્રેલિયા સામે કોહલીની સાતમી વન-ડે સદી છે જ્યારે વર્ષ 2019માં આ બીજી છે.
કોહલીએ 100 રન પૂરા કર્યા ત્યારે ભારતનો સ્કોર 43.1 ઓવરમાં 6 વિકેટે 225 રન હતો. એની સાથે રવિન્દ્ર જાડેજા દાવમાં હતો. રોહિત શર્મા (0), શિખર ધવન (21), અંબાતી રાયડુ (18), વિજય શંકર (46), કેદાર જાધવ (11) અને મહેન્દ્ર સિંહ ધોની (0) પડી ચૂકી હતી. દેખીતી રીતે જ, ભારત એ વખતે દબાણની સ્થિતિમાં હતું અને કોહલીએ એક છેડો સંભાળેલો રાખીને પોતાની આગવી સ્ટાઈલમાં બેટિંગ કરીને ભારતને સુરક્ષિત સ્થિતિમાં લાવીને મૂકી દીધું હતું.
કોહલીની 40 સદીઃ તેંડુલકર કરતાં 139 દાવ ઓછા ખેલીને…
કોહલીની સિદ્ધિની વિશેષતા એ છે કે એણે 40 સદી પૂરી કરવા માટે માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચીન તેંડુલકર કરતાં 139 ઓછી ઈનિંગ્ઝ ખેલી છે. મતલબ, કોહલીએ 40 સદી 224મી મેચમાં અને 216મી ઈનિંગ્ઝમાં નોંધાવી છે જ્યારે તેંડુલકરે એની 40મી વન-ડે સદી 355મા દાવમાં – 2006માં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં પૂરી કરી હતી.
કોહલીના નામે હવે કુલ 65 આંતરરાષ્ટ્રીય સદીઓ થઈ છે (વન-ડે અને ટેસ્ટ ક્રિકેટ મળીને).