ઓલ ઈંગ્લેન્ડ ઓપનમાં સિંધુનો પહેલા જ રાઉન્ડમાં પરાજય

બર્મિંઘમ – ભારતની ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી. સિંધુ આજે અહીં ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પહેલા જ રાઉન્ડમાં હારી જતાં મોટું આશ્ચર્ય સર્જાયું હતું.

મહિલાઓની સિંગલ્સનાં વર્ગમાં સિંધુનો દક્ષિણ કોરિયાની સુન્ગ જી યુન સામે પરાજય થયો હતો.

પાંચમી ક્રમાંકિત સિંધુનો દક્ષિણ કોરિયાની બિનક્રમાંકિત સુન્ગ જી સામે 6-21 22-20 18-21થી પરાજય થયો હતો.

સુન્ગ જી આ પહેલાં સિંધુ સાથે છેલ્લી ત્રણમાંની બે મેચમાં જીતી ચૂકી હતી. પરંતુ બંને ખેલાડી વચ્ચેના કુલ 8 મુકાબલામાં સિંધુ 8-6થી લાભમાં હતી.

જોકે આજની મેચમાં, કોરિયન ખેલાડી 81-મિનિટના રોમાંચક જંગમાં સિંધુને ફરી પરેશાન કરી ગઈ અને હરાવી ગઈ.

સિંધુએ સમગ્ર મેચ દરમિયાન અનેક અનફોર્સ્ડ એરર્સ કરી હતી. બીજી ગેમમાં એણે 17-20 સ્કોર વખતે 3 મેચ પોઈન્ટ બચાવ્યા હતા એટલે જ મેચ ત્રીજી ગેમમાં ગયો હતો.

સિંધુ સ્પર્ધાનાં પહેલા જ રાઉન્ડમાં હારી ગઈ હોય એવો આ ચોથો પ્રસંગ છે.

આજના મુકાબલામાં સિંધુનું જજમેન્ટ કંગાળ રહ્યું હતું.

આજે ઓલ ઈંગ્લેન્ડ ઓપનમાં પુરુષોની સિંગલ્સના વર્ગમાં, સિંગાપોર ઓપન ચેમ્પિયન બી. સાઈ પ્રણીતે સાથી ભારતીય એચ.એસ. પ્રણયને 21-19, 21-19થી પરાજય આપ્યો હતો.