મુંબઈઃ ટીમ ઈન્ડિયાનો વરિષ્ઠ અને સ્ટાર બેટર વિરાટ કોહલી કોઈક કૌટુંબિક સંકટને લીધે સાઉથ આફ્રિકાથી મુંબઈ પાછો ફર્યો છે, પરંતુ સાઉથ આફ્રિકા સામે આવતા અઠવાડિયાથી પહેલી ટેસ્ટ મેચ શરૂ થાય એ પહેલાં તે સાઉથ આફ્રિકા સમયસર પાછો પહોંચી જશે.
ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં બે-મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. પહેલી ટેસ્ટ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયન શહેરના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમાવાની છે. બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. કોહલી તે માટેની ભારતીય ટીમની સાથે જ ત્યાં ગયો હતો, પરંતુ મુંબઈમાં એના પરિવારની કોઈક ઈમરજન્સીને કારણે એ ગુરુવારે મુંબઈ પાછો આવ્યો છે, પરંતુ પહેલી ટેસ્ટ મેચના આરંભ પહેલા, 24 ડિસેમ્બરે એ સાઉથ આફ્રિકા પાછો પહોંચી જશે, એમ બીસીસીઆઈના એક સૂત્રનું કહેવું છે. આ ટૂંકી રજા માટે કોહલીએ ક્રિકેટ બોર્ડની પરવાનગી લીધી છે.
કોહલીના પરિવારમાં કયું સંકટ આવ્યું છે તે વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. ગયા વખતે જ્યારે ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે આવી હતી ત્યારે કોહલી પીઠના દુખાવાને કારણે ટેસ્ટ મેચ ચૂકી ગયો હતો.
ઋતુરાજ ગાયકવાડને આંગળીમાં ફ્રેક્ચર થયું
દરમિયાન, બેટર ઋતુરાજ ગાયકવાડને હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હોવાથી તે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં રમી નહીં શકે. આ અઠવાડિયાના આરંભમાં સાઉથ આફ્રિકા સામેની બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ વખતે એક કેચ પકડવા જતાં ગાયકવાડને આંગળીમાં ઈજા થઈ હતી.