એશિયા કપ-2023 માટેની ટીમમાં રાહુલ, ઐયરનો સમાવેશ

મુંબઈઃ સિનિયર પુરુષ ક્રિકેટરો માટેની આગામી એશિયા કપ ક્રિકેટ સ્પર્ધા માટે ભારતે 17-સભ્યોની પોતાની ટીમની આજે જાહેરાત કરી છે. ટીમમાં બે ટોપ ઓર્ડર બેટર્સ કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐયરનું પુનરાગમન થયું છે. જ્યારે તિલક વર્માનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વડા પસંદગીકાર અજિત આગરકર અને ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટીમની પસંદગી કરી છે. રાહુલ અને ઐયર ઈજાને કારણે ઘણા વખતથી ટીમની બહાર હતા.

 

17-સભ્યોની ટીમમાં જસપ્રિત બુમરાહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે ભારતના બોલિંગ આક્રમણની આગેવાની લેશે. હાર્દિક પંડ્યા સંભાળશે રોહિત શર્માના ડેપ્યૂટીની જવાબદારી. આગરકરે કહ્યું છે કે, ઐયર સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે, પરંતુ રાહુલ કદાચ શરૂઆતની અમુક મેચોમાં ઉપલબ્ધ નહીં થાય.

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, શુભમન ગિલ, કે.એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.

આ વખતની એશિયા કપ સ્પર્ધા પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્તપણે યોજાશે. સ્પર્ધામાં છ ટીમ ભાગ લેશે. ગ્રુપ-Aમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ છે જ્યારે ગ્રુપ-Bમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. ભારતીય ટીમે પાકિસ્તાનમાં રમવા જવાનો ઈનકાર કરી દીધો છે.  સ્પર્ધાની પહેલી મેચ 30 ઓગસ્ટે પાકિસ્તાનના મુલતાનમાં રમાશે જ્યારે ભારતની પહેલી મેચ બીજી સપ્ટેમ્બરે શ્રીલંકાના પલ્લેકેલેમાં રમાશે. ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.