દર વખતે દેશમાં ચુનંદા ખેલાડીઓ/એથ્લીટ્સને ‘રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’ જાહેર કરવામાં આવે અને વિવાદ સર્જાય. આ વર્ષ પણ એમાં બાકાત રહ્યું નથી. ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુને વર્ષ 2018ના ‘ખેલ રત્ન’ માટે પસંદ કરાયા એમાં કુસ્તીબાજ બજરંગ પુનિયા નારાજ થઈ ગયો.
‘ખેલ રત્ન એવોર્ડ’ની પસંદગી માટેના ધારાધોરણ વિશે એણે સવાલ ઉઠાવ્યો. એ આ મામલો કોર્ટમાં લઈ જવાનો હતો, પણ એના માર્ગદર્શક પહેલવાન યોગેશ્વર દત્તે એને તેમ કરતા અટકાવી દીધો, એ સારું જ થયું. જોકે કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોર પણ પુુનિયાની દલીલ સામે ઝૂકી જાય એમ નહોતા, કારણ કે એવોર્ડ પસંદગી સમિતિના સભ્યોએ કોહલી, ચાનુનાં નામોની કરેલી ભલામણ યોગ્ય જ હતી.
પુનિયાએ અગાઉ મિડિયામાં એવી દલીલ કરી હતી કે સ્પોર્ટ્સ મંત્રાલયે જ ‘ખેલ રત્ન એવોર્ડ’ વિજેતાની પસંદગી માટે અમુક વર્ષો પહેલાં પોઈન્ટ્સ સિસ્ટમ શરૂ કરી હતી અને તે મુજબ પોતે કોહલી અને ચાનુ કરતાં વધારે પોઈન્ટ્સ હાંસલ કર્યા છે.
ભારતમાં કેન્દ્ર સ્થાને સરકારો બદલાય, પણ ખેલ રત્ન એવોર્ડ માટે ખામીયુક્ત પોઈન્ટ્સ પદ્ધતિ અપનાવવાનું ચાલુ રખાય છે.
24 વર્ષનો પુનિયા કોમનવેલ્થ ગેમ્સ અને આ વર્ષે યોજાઈ ગયેલી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લાવ્યો છે. એણે હાંસલ કરેલા પોઈન્ટ્સનો આંક 80 છે. કોહલીના ઝીરો છે અને ચાનુના 44 છે.
પરંતુ, પુનિયા એ ભૂલી ગયો કે એથ્લીટ્સની સરખામણીમાં, ક્રિકેટરો ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ જેવી સ્પર્ધાઓમાં ભાગ લેતા નથી તેથી પોઈન્ટ્સ સિસ્ટમમાં તે ગણતરીમાં લેવાતું નથી.
આમ, ક્રિકેટરોના નામે તો કાયમ ઝીરો પોઈન્ટ્સ જ રહે, કારણ કે ઓલિમ્પિક્સ, એશિયન ચેમ્પિયનશિપ કે એશિયન ગેમ્સ જેવી સ્પર્ધાઓની સાથે ક્રિકેટ વર્લ્ડ કપમાં ક્રિકેટરોના દેખાવને ગણતરીમાં લે એવી કોઈ પોઈન્ટ્સ પદ્ધતિ ભારતમાં મોજૂદ નથી.
વાસ્તવિક્તા એ છે કે કોહલી આજે વિશ્વમાં નંબર-1 બેટ્સમેન છે. એ ત્રણમાંથી બે ફોર્મેટની ક્રિકેટમાં નંબર-1 છે. બીજી બાજુ, મીરાબાઈ એકમાત્ર એવી ભારતીય છે જે ઓલિમ્પિક્સમાં સામેલ રમતમાં વર્લ્ડ ચેમ્પિયન છે.
વિરાટ કોહલી છેલ્લા ત્રણ વર્ષમાં ખૂબ જ ફોર્મમાં રમ્યો છે. એણે 71 ટેસ્ટ મેચોમાં 23 સદી સાથે 6,147 રન કર્યા છે અને 211 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 35 સદી સાથે 9,779 રન કર્યા છે.
ચાનુએ ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 48 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ આ વર્ષની કોમનવેલ્થ ગેમ્સમાં પણ એણે ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ ઈજાને કારણે એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકી નહોતી.
‘ખેલરત્ન એવોર્ડ’ની સ્થાપના 1991-92માં તે વખતના વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવે કરી હતી.
2001માં, દંતકથા સમાન દોડવીર મિલ્ખા સિંહે ‘અર્જુન એવોર્ડ’ માટે ખેલાડીઓની પસંદગીના ધારાધોરણ સામે વાંધો ઉઠાવ્યો હતો. પોતે ત્યારે નિવૃત્ત થઈ ચૂક્યા હતા. ત્યારે ખેલકૂદ મંત્રાલયે એવોર્ડ સમિતિની રચનામાં ફેરફાર કરવા પડ્યા હતા અને સમિતિમાં વધુ ભૂતપૂર્વ ખેલાડીઓને સામેલ કરવા પડ્યા હતા.
આ વર્ષનો ખેલ રત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ 25 સપ્ટેંબરે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એનાયત કરવામાં આવશે.