સુપર-4 મેચમાં પાકિસ્તાનને 9-વિકેટથી હરાવી ભારત એશિયા કપ-2018ની ફાઈનલમાં

દુબઈ – કેપ્ટન રોહિત શર્મા (અણનમ 111) અને શિખર ધવનના 114 રન તથા બંને વચ્ચે પહેલી વિકેટ માટે થયેલી 210 રનની કરેલી ભાગીદારીના બળે ભારતે આજે અહીં એશિયા કપ-2018 સ્પર્ધાની સુપર-4 રાઉન્ડની મેચમાં પાકિસ્તાનને 9-વિકેટથી કચડી નાખ્યું છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ લીધા બાદ 50 ઓવરમાં 7 વિકેટે 237 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે 39.3 ઓવરમાં શિખર ધવનની વિકેટ ગુમાવીને 238 રન કરી લીધા હતા. શર્મા સાથે અંબાતી રાયડુ 12 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

આ સાથે ભારત ફાઈનલમાં પહોંચી ગયું છે, જે 28 સપ્ટેંબરે રમાવાની છે.

સ્પર્ધામાં ભારત હજી સુધી અપરાજિત રહ્યું છે.

સુપર-4 રાઉન્ડમાં ભારતનો આ સતત બીજો વિજય છે. પહેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું હતું. ભારતે આ રાઉન્ડમાં હજી અફઘાનિસ્તાન સાથે રમવાનું બાકી છે. તે મેચ 25 સપ્ટેંબર, મંગળવારે રમાશે.

વન-ડે ક્રિકેટમાં રોહિત શર્માની આ 19મી સદી છે જ્યારે ધવનની 15મી સદી છે. શર્માએ 119 બોલનો સામનો કર્યો હતો જેમાં સાત ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા જ્યારે ધવને 100 બોલના દાવમાં 16 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ધવનને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાન સામે એક જ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં બે બેટ્સમેન દ્વારા સદીનો આ ત્રીજો કિસ્સો છે. આ પહેલાં 1996માં શારજાહ ખાતે સચીન તેંડુલકર અને નવજોત સિંહ સિધુએ તથા 2005માં વિરેન્દર સેહવાગ અને રાહુલ દ્રવિડે સદી ફટકારી હતી.

અગાઉ, પાકિસ્તાનના દાવમાં સૌથી વધુ રન શોએબ મલિકે કર્યા હતા – 90 બોલમાં 78. કેપ્ટન સરફરાઝ એહમદે 44, ફખર ઝમાને 31, આસીફ અલીએ 30 રન કર્યા હતા.

ભારતના બે સ્પિનર – લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલ, ચાઈનામેન બોલર કુલદીપ યાદવ અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે વ્યક્તિગત 2 વિકેટ લીધી હતી.

ભારતે બાંગ્લાદેશ સામેની મેચમાં રમેલી ટીમને યથાવત્ રાખી હતી, જ્યારે પાકિસ્તાને બે ફેરફાર કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]