મુંબઈઃ ગુજરાત ટાઈટન્સ ટીમનો કેપ્ટન કેપ્ટન હાર્દિક પંડ્યા તેની ટીમે અહીં રમાતી આઈપીએલ-15 સ્પર્ધામાં ગઈ કાલે પોતાની પ્રારંભિક મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમને પરાજય આપ્યો તેનાથી બહુ ખુશ થયો છે. એણે કહ્યું છે કે, આ મેચ અમારી બંને ટીમ માટે ઉચિત હતી અને અમને બેઉને એમાંથી કંઈક શીખવા મળ્યું છે. અમે જીતવા છતાં પણ ઘણું શીખ્યા છીએ. મોટે ભાગે હું ચોથા નંબર પર બેટિંગ કરીશ, કારણ કે હું મારા અનુભવના આધારે બેટિંગ લાઈન-અપ પરનું દબાણ ઘટાડવા ઈચ્છું છું જેથી પાછલા ક્રમના બેટર્સ મુક્તપણે રમી શકે.
ગઈ કાલની મેચમાં, લખનઉ ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 6 વિકેટે 158 રન કર્યા હતા. તેના જવાબમાં, ગુજરાતની ટીમે 19.4 ઓવરમાં પાંચ વિકેટે 161 રન કરીને મેચ જીતી લીધી હતી. ચાર ઓવરમાં 25 રન આપી 3 વિકેટ લેનાર ગુજરાતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. લખનઉ ટીમના દાવમાં દીપક હુડા (55) અને આયુશ બદોની (54)એ હાફ સેન્ચુરી ફટકારી હતી. ગુજરાત ટાઈટન્સના દાવમાં એકેય હાફ સેન્ચુરી થઈ નહોતી. રાહુલ તિવાટિયા સૌથી વધારે, 40 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ચોથા ક્રમે આવીને 33 રન કર્યા હતા.