જયપુર – બોલ ટેમ્પરિંગ વિવાદમાં સંડોવણીને કારણે એક વર્ષનો મૂકાયેલો પ્રતિબંધ 28 માર્ચે પૂરો થાય છે તેથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાની 12મી સીઝનમાં રમવા માટે ભારત આવી પહોંચ્યા છે. સ્મિથ રાજસ્થાન રોયલ્સ વતી રમવાનો છે જ્યારે વોર્નર સનરાઈઝર્સ હૈદરાબાદ વતી રમવાનો છે.
આઈસીસી સંસ્થાએ મૂકેલા એક વર્ષના પ્રતિબંધને કારણે આ બંને બેટ્સમેનને ગયા વર્ષે આઈપીએલ સ્પર્ધામાં રમવા દેવામાં આવ્યા નહોતા.
રાજસ્થાન રોયલ્સ ટીમના બ્રાન્ડ એમ્બેસેડર શેન વોર્ને કહ્યું છે કે સ્મિથના પુનરાગમનથી ટીમની ગેમનું સ્તર સુધરશે.
વોર્ને કહ્યું કે, સ્મિથ અને વોર્નર, બંને ખેલાડી વિશ્વ ક્રિકેટમાં બેસ્ટ ખેલાડીઓ છે.
ગયા વર્ષે સાઉથ આફ્રિકા સામે કેપટાઉનમાંની મેચ વખતે બોલ પર સેન્ડપેપર ઘસીને એની સાથે ચેડાં કરવાના ગુનામાં સંડોવણી બદલ સ્મિથ, વોર્નર અને ફાસ્ટ બોલર કેમરન બેન્ક્રોફ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ભારત જતા પહેલાં સ્મિથ અને વોર્નરને દુબઈ આવવાનું ઓસ્ટ્રેલિયન ટીમના કોચ જસ્ટિન લેન્ગરે આમંત્રણ આપ્યું હતું. એટલે બંને બેટ્સમેન દુબઈ ગયા હતા જ્યાં એમની ટીમ પાકિસ્તાન સામે પાંચ-વન ડે ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ રમવાની છે. પહેલી મેચ 22 માર્ચે રમાશે. આ શ્રેણી માટે સ્મિથ અને વોર્નરની પસંદગી કરવામાં આવી નથી.
સ્મિથ ભૂતકાળમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર, કોચી ટસ્કર્સ, પુણે વોરિયર્સ અને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ ટીમો વતી પણ રમ્યો હતો. 2018માં તે રાજસ્થાન રોયલ્સમાં જોડાયો હતો.
આઈપીએલ-12 સ્પર્ધા 23 માર્ચથી શરૂ થાય છે.