જાડેજા ફરી બન્યો દુનિયાનો નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર

મુંબઈઃ હાલમાં મોહાલીમાં શ્રીલંકા સામે રમાઈ ગયેલી ટેસ્ટ મેચમાં ભારતના બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બેટિંગ અને બોલિંગ, બંને વિભાગમાં કરેલા જબરદસ્ત દેખાવને પગલે આઈસીસી મેન્સ ટેસ્ટ પ્લેયર રેન્કિંગ્સમાં એ પહેલા નંબરે આવી ગયો છે. મોહાલીમાંની ટેસ્ટ, જે શ્રીલંકા સામે બે-મેચની શ્રેણીની પહેલી હતી, તેમાં જાડેજાએ અણનમ 175 રન ફટકાર્યા હતા અને બંને દાવ મળીને કુલ 9 વિકેટ લીધી હતી. તેના 175 રને આઈસીસી બેટિંગ રેન્કિંગ્સમાં એને 17 ક્રમની છલાંગ અપાવી છે. મેચ પહેલાં એ 54મા ક્રમે હતો, પણ હવે 37મા ક્રમે આવી ગયો છે. જ્યારે બોલિંગમાં એણે 17મા ક્રમે આવ્યો છે. એ 406 રેટિંગ્સ સાથે ફરી પહેલા નંબર પર આવી ગયો છે.

જાડેજાએ નંબર-1 ઓલરાઉન્ડરનું સ્થાન ફરી વાર હાંસલ કર્યું છે. આ પહેલાં આ સ્થાને વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર હતો. તે 2021ના ફેબ્રુઆરીથી પહેલા નંબર પર હતો. જાડેજા પહેલી વાર 2017ના ઓગસ્ટમાં દુનિયાનો નંબર-1 ઓલરાઉન્ડર બન્યો હતો. એ વખતે તે એક અઠવાડિયા સુધી નંબર-1 પર રહ્યો હતો. આ વખતે એણે બે સ્થાનની છલાંગ મારી છે. હોલ્ડર 382 રેટિંગ્સ સાથે બીજા સ્થાને છે જ્યારે ભારતનો ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન 347 રેટિંગ્સ સાથે ત્રીજા સ્થાને છે.