નવી દિલ્હીઃ ભારતીય હોકીએ આજે સિદ્ધિનું એક નવું શિખર સર કર્યું છે. ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (એફઆઈએચ)ના તમામ આઠ નામાંકિત એવોર્ડ જીતી લીધાં છે. ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીતસિંહે પુરુષોની કેટેગરીમાં ‘FIH પ્લેયર ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો છે જ્યારે મહિલાઓની કેટેગરીમાં ડ્રેગ-ફ્લિકર ગુરજિતકૌરે ‘FIH પ્લેયર ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો છે.
પી.આર. શ્રીજેશે ગોલકીપર ઓફ ધ યર એવોર્ડ કબજે કર્યો છે જ્યારે મહિલાઓનાં વર્ગમાં ‘ગોલકીપર ઓફ ધ યર’નો એવોર્ડ ભારતીય ટીમની ગોલકીપર સવિતાએ જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમની તે વાઈસ-કેપ્ટન પણ હતી. ભારતની મેન્સ હોકી ટીમના વડા કોચ ગ્રેહામ રીડે ‘FIH કોચ ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો છે. મહિલાઓનાં વર્ગમાં ‘FIH કોચ ઓફ ધ યર’ એવોર્ડ ભારતીય મહિલા હોકી ટીમનાં ભૂતપૂર્વ વડા કોચ સોર્ડ મારિને જીત્યો છે. બેસ્ટ ગોલકીપર કેટેગરીમાં શ્રીજેશ સામે બેલ્જિયમના વિન્સેન્ટ વનાશ અને ઓસ્ટ્રેલિયાના એન્ડ્રુ ચાર્ટર હતા.