ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) – ભારતની મહિલા ટેબલટેનિસ ખેલાડીઓ – મૌમા દાસ, મધુરિકા પાટકર અને મનિકા બત્રાએ ટેબલટેનિસ ટીમ ઈવેન્ટમાં આજે ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલમાં એમણે સિંગાપોર ટીમની ખેલાડીઓને 2-1થી પરાજય આપ્યો છે.
આ જીત સાથે ભારતે જીતેલા ગોલ્ડ મેડલ્સની સંખ્યા વધીને 7 થઈ છે અને કુલ મેડલ્સનો આંકડો થયો 12 પર પહોંચ્યો છે. મેડલ્સની યાદીમાં ભારત ચોથા ક્રમે છે, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, કેનેડા બાદ.
મહિલા ટેબલટેનિસમાં ભારતની જીતનો મુખ્ય શ્રેય દિલ્હીનિવાસી મનિકા બત્રાને જાય છે, જેણે પોતાની બંને સિંગલ્સ મેચ જીતી બતાવી હતી.
આ રમતનો ગોલ્ડ મેડલ જીતવા માટે 2014ની ગેમ્સની ગોલ્ડમેડલ વિજેતા સિંગાપોર ટીમ ફેવરિટ હતી, પણ ભારતની છોકરીઓએ ફાઈનલ જીતીને આશ્ચર્ય સર્જ્યું છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની મહિલાઓએ આ પહેલી જ વાર ટેબલટેનિસનો ગોલ્ડ મેડલ જીત્યો છે.
કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની ટેબલટેનિસ ગેમને 2002માં એન્ટ્રી આપવામાં આવી હતી. ભારતની ટીમ 2010ની દિલ્હી ગેમ્સમાં રનર્સ-અપ રહી હતી.
આજે, પહેલી મેચમાં મનિકા બત્રાએ વર્લ્ડ નંબર-4 તિઆનવેઈ ફેંગને 3-2 (11-8, 8-11, 7-11, 11-9, 11-7)થી હરાવીને ભારતને 1-0 સરસાઈ અપાવી હતી.
બીજી ગેમમાં, સિંગાપોરની મેંગી યૂએ મધુરિકા પાટકરને (3-0) 13-11, 11-2, 11-6થી હરાવી હતી. સ્કોર 1-1થી સમાન થયો હતો.
ત્રીજી, ડબલ્સની મેચમાં, મૌમા દાસ અને મધુરિકા પાટકરની જોડીએ 3-1 (11-7, 11-6, 8-11, 11-7)થી જીત મેળવી હતી અને ભારતે 2-1ની સરસાઈ મેળવી હતી.
ચોથી મેચમાં, મનિકા બત્રાએ યીહાન હૂને 11-7, 11-4, 11-7થી હરાવી દેતાં ભારતે મેચ 3-1થી જીતી હતી અને એ સાથે જ ગોલ્ડ કબજામાં લીધો હતો.