હેમિલ્ટન – ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ સુકાની ગ્લેન ટર્નરનું માનવું છે કે જસપ્રિત બુમરાહની આગેવાની હેઠળ ભારતના ફાસ્ટ બોલરો એમના દેશની ટીમ સામે આગામી ટેસ્ટ શ્રેણીમાં જોરદાર દેખાવ કરે એવી એમને શક્યતા જણાય છે.
ટર્નરનું માનવું છે કે વન-ડે શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ સામે વ્હાઈટવોશ પરાજય બાદ ભારતીય ટીમનો જુસ્સો ઉતરી ગયો છે, પણ બુમરાહ અને શમી ટેસ્ટ સિરીઝમાં ટીમનો જુસ્સો ફરી વધારી શકે છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે-મેચની ટેસ્ટ શ્રેણી 20 ફેબ્રુઆરીથી વેલિંગ્ટનમાં રમાશે. બીજી અને આખરી ટેસ્ટ 28 ફેબ્રુઆરીથી ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.
ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ભારતીય ટીમે આરંભ જોરદાર કર્યો હતો. એણે ગૃહ ટીમને ટ્વેન્ટી-20 સિરીઝમાં 5-0થી વ્હાઈટવોશ પરાજય આપ્યો હતો, પણ બાદમાં વન-ડે સિરીઝમાં પોતાનો ક્લીન સ્વીપ પરાજય થયો હતો.
ટર્નરે કહ્યું કે મને ટ્વેન્ટી-20 ક્રિકેટમાં જરાય રસ નથી. ક્રિકેટની રમત પરનો તે એક ડાઘસમાન છે. 50-ઓવરવાળી ક્રિકેટ બરાબર છે. ભારત અને ન્યૂઝીલેન્ડ, બંનેનું બોલિંગ સ્તર ટેસ્ટ તથા વન-ડે, બંને ફોર્મેટમાં પોતાની ધારણા કરતાં ઉતરતું રહ્યું છે, એમ પણ ટર્નરે વધુમાં કહ્યું.
તેમ છતાં બુમરાહ અને શમીમાં બોલને સ્વિંગ કરવાની જે ક્ષમતા છે એને કારણે ટેસ્ટ શ્રેણી માટે ભારત લાભની સ્થિતિમાં છે.
ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમની સમસ્યા વિશે ટર્નરનું માનવું છે કે તેઓ સફેદ-બોલથી વધારે પડતું ક્રિકેટ રમે છે એને કારણે એમને ટેસ્ટ ક્રિકેટમાં તકલીફ પડી રહી છે. શમીમાં ઘણી ટેલેન્ટ અને સ્ટેમિના છે. મને લાગે છે કે ટેસ્ટ સિરીઝ શરૂ થશે તે પછી ભારતની બોલિંગ આપણે અત્યાર સુધીમાં જોઈ એના કરતાં વધારે સારી જોવા મળશે.
બુમરાહ એની ઈજામાંથી સાજો થઈ ગયો છે અને તે લાલ-બોલવાળી ફોર્મેટમાં 25-ઓવર ફેંકવાની ક્ષમતા ધરાવે છે. એની બોલિંગ એક્શન પરંપરાથી અલગ પ્રકારની છે, પણ એનામાં કુદરતી ટેલેન્ટ ઘણી છે. તમે ધારો એના કરતાં પણ વધારે ઝડપી ગતિએ તે બોલને ફેંકી શકે છે. વળી, એની પાસે ચોક્સાઈ પણ બહુ છે.
ન્યૂઝીલેન્ડની ટીમ વિશે બોલતાં 72-વર્ષીય અને 1970ના દાયકાના ધુરંધર બેટ્સમેનોમાંના એક, ટર્નરે કહ્યું કે કેન વિલિયમ્સનનું નેતૃત્ત્વ પરંપરા પ્રમાણેનું છે. એણે અમારી ટીમને જરૂરી સ્થિરતા પૂરી પાડી છે. રમત પ્રત્યેનો એનો અભિગમ મને હંમેશાં ગમ્યો છે. એ ઘણો શાંત મગજનો વ્યક્તિ છે. એ દબાણ હેઠળની સ્થિતિમાં પણ ટીમની સરસ રીતે દોરવણી કરી શકે છે.