રાંચી – ભારતીય ટીમે અહીંના JSCA સ્ટેડિયમ ખાતે આજે સાઉથ આફ્રિકાને ત્રીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચમાં એક દાવ અને 202 રનથી હરાવીને આ ટીમ ઉપર પોતાનો પહેલો જ સિરીઝ વ્હાઈટ-વોશ વિજય હાંસલ કર્યો છે. આજે મેચનો ચોથો દિવસ હતો અને સાઉથ આફ્રિકાના બીજા દાવની બાકી રહેલી બે વિકેટ મેળવતાં ભારતના બોલરોને માત્ર 12 બોલની જ જરૂર પડી હતી. પ્રવાસી ટીમે આજે તેનો દાવ શરૂ કર્યો હતો, પણ વધુ માત્ર એક જ રન કરી શકી હતી અને તે પણ લેગબાય રૂપે એકસ્ટ્રા રન મળ્યો હતો.
નંબર-1 રેન્ક ધરાવતી ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા પર આ ધરખમ પ્રભુત્વવાળો પરફોરમન્સ રહ્યો છે.
ગઈ કાલનો નોટઆઉટ બેટ્સમેન ટુનિસ ડી બ્રુઈન આજે પહેલો આઉટ થયો હતો. ડાબોડી સ્પિનર શાહબાઝ નદીમે એને આઉટ કર્યો હતો. બીજા દાવમાં નદીમની આ પહેલી વિકેટ હતી. કીપર રિદ્ધિમાન સહાએ બ્રુઈનને કેચઆઉટ કર્યો હતો. બેટ્સમેન તેના ગઈ કાલના 30 રનના સ્કોરમાં એકેય રન ઉમેરી શક્યો નહોતો.
તે પછીના જ બોલમાં, નદીમે પોતાની બોલિંગમાં વળતો કેચ લઈને લુન્ગી એન્ગીડીને આઉટ કર્યો હતો અને એ સાથે જ સાઉથ આફ્રિકાનો ખેલ 133 રનના સ્કોર પર અને સિરીઝનો અંત આવી ગયો હતો. ટીમ માત્ર 48 ઓવર રમી શકી હતી. કારકિર્દીની પહેલી જ ટેસ્ટ રમી રહેલા નદીમે પહેલા દાવમાં પણ બે વિકેટ લીધી હતી.
ઓપનર રોહિત શર્માને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે.
ભારતે તેનો પહેલો દાવ 9 વિકેટે 497 રને ડિકલેર કર્યો હતો અને ત્યારબાદ સાઉથ આફ્રિકાને પહેલા દાવમાં 162 રનમાં ઓલઆઉટ કરી એને ફોલોઓન થવાની ફરજ પાડી હતી.
ભારતે સાઉથ આફ્રિકાને પહેલી વિશાખાપટનમ ટેસ્ટમાં 203 રનથી અને પુણેમાં બીજી ટેસ્ટમાં 137 રનથી પરાજય આપ્યો હતો.
હાલ ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતને હવે પાંચ ટેસ્ટમાં પાંચેય જીત સાથે 240 પોઈન્ટ થયા છે અને તે પહેલા નંબરે છે.
હવે ભારત બાંગલાદેશ સાથે બે ટેસ્ટ મેચની સિરીઝ રમશે. પહેલી ટેસ્ટ 14 નવેંબરે શરૂ થશે.