રાંચી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાનો ધબડકો; સિરીઝ વ્હાઈટ વોશના પરાજયને આરે

રાંચી – ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની આગેવાની હેઠળ ભારતના બોલરોએ તરખાટ મચાવતાં પ્રવાસી સાઉથ આફ્રિકા ટીમ અહીં ત્રીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચમાં એક ઈનિંગ્ઝના પરાજયને આરે આવી ગઈ છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ પ્રવાસી ટીમને 3-0નો સિરીઝ વ્હાઈટ વોશ પરાજય ચખાડશે.

સાઉથ આફ્રિકા ટીમે આજે ત્રીજા દિવસની રમતને અંતે તેના બીજા દાવમાં 8 વિકેટે 132 રન કર્યા હતા. ફોલોઓન થયા બાદ તેની આ હાલત છે. ભારતના પહેલા દાવના સ્કોર સામે તે હજી 203 રન પાછળ છે.

બીજા દાવમાં સાઉથ આફ્રિકાની જે 8 વિકેટ પડી એમાં શમીએ સૌથી વધુ – 3 (10 રનમાં) વિકેટ લીધી છે. અન્ય ફાસ્ટ બોલર ઉમેશ યાદવે 35 રનમાં 2, ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 1 અને ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી છે.

દિવસને અંતે ઈન્જર્ડ બેટ્સમેન ડીન એલ્ગરનો સબસ્ટિટ્યૂટ ટુનિસ ડી બ્રુઈન 30 અને એન્રીક નોર્ટે પાંચ રન સાથે દાવમાં હતો.

સાઉથ આફ્રિકાનો પહેલો દાવ 162 રનમાં પૂરો થયો હતો. પહેલો દાવ 9 વિકેટે 497 રને ડિકલેર કરનાર ભારતે પ્રવાસી ટીમને ફોલોઓન કરાવ્યું હતું.

ટી-બ્રેક પૂર્વે ડીન એલ્ગરને બેટિંગ કરતી વખતે ઉમેશ યાદવનો બોલ હેલ્મેટ પર વાગ્યો હતો અને એને નિવૃત્ત થવું પડ્યું હતું. ભારતને પણ ઈન્જરીની સમસ્યા નડી હતી. વિકેટકીપર રિદ્ધિમાન સહાને ડાબા હાથની ત્રીજી આંગળીમાં બોલ વાગતાં એને પેવિલિયનમાં ફરવું પડ્યું હતું અને રિષભ પંતે દિવસના આખરી સત્રમાં કીપિંગ કર્યું હતું.

આજે ત્રીજા દિવસે પ્રવાસી ટીમની કુલ 16 વિકેટ પડી હતી. ટીમે બે વિકેટે 9 રનના તેના રવિવારના અધૂરા દાવને આજે આગળ વધાર્યો હતો.

પહેલા દાવમાં સૌથી વધારે રન ઝુબીર હમઝાએ કર્યા હતા – 62. એ સિવાય બીજો કોઈ બેટ્સમેન 50ના આંકની નજીક પણ પહોંચી શક્યો નહોતો.

ભારત વતી સૌથી વધુ વિકેટ ઉમેશ યાદવે લીધી હતી – 3 વિકેટ જ્યારે શમી, ડાબોડી સ્પિનર શાહબાઝ નદીમ અને જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.

ભારત પહેલી બે ટેસ્ટ મેચ જીતીને સિરીઝને કબજામાં લઈ ચૂક્યું છે.