કોરોના વાયરસના કારણે ભારત-સાઉથ આફ્રિકાની વન-ડે સિરીઝ રદ્દ

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રદ્દ કરવામાં આવી છે. ત્રણ મેચોની વન-ડે સિરીઝની પ્રથમ મેચ ધર્મશાળામાં વરસાદના કારણે રદ્દ થઇ ગઇ હતી. સૂત્રો અનુસાર સિરીઝની બાકી બચેલી મેચ કોરોના વાયરસના કારણે રદ્દ કરી દેવામા આવી છે. સિરીઝની બીજી મેચ 15 માર્ચે લખનઉમાં અને ત્રીજી મેચ 18 માર્ચે કોલકાતામાં રમાવાની હતી. કોરોના વાયરસનો હાહાકાર દરરોજ વધી રહ્યો છે. આ વાયરસના સંકટને જોતા આ બંન્ને મેચોનું આયોજન ખાલી સ્ટેડિયમમાં કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ભારતમાં તેના 80થી વધુ કેસો સામે આવ્યા બાદ આ મેચોને રદ્દ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ મહામારીને કારણે આઈપીએલ પણ મુલતવી રાખવામાં આવી છે. આઈપીએલ 29 માર્ચથી શરૂ થવાની હતી, પરંતુ વિદેશી કોરોના વાયરસની ગંભીરતા અને વિદેશી ખેલાડીઓના વિઝા પ્રતિબંધો વગેરેને ધ્યાનમાં રાખીને 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે.