ઈન્દોર – ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે-ટેસ્ટની શ્રેણીની પહેલી મેચ આવતીકાલથી અહીંના હોલકર ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શરૂ થશે.
ઈન્દોરમાં પહેલી ટેસ્ટ મેચ 2016માં રમાઈ હતી. ન્યૂઝીલેન્ડ સામેની એ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ બેટિંગ માટે ખૂબ ફાવટવાળી પિચ પર ડબલ સેન્ચુરી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ ટીમનો શરમજનક રીતે પરાભવ થયો હતો. ચાર દિવસમાં જ મેચ પૂરી થઈ ગઈ હતી.
ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને તેનો બેસ્ટ ઈનિંગ્ઝ બોલિંગ દેખાવ કર્યો હતો 59 રનમાં 7 વિકેટ અને સમગ્ર મેચમાં એણે 140 રનમાં 13 વિકેટ લીધી હતી.
હવે એ મેચ રમાયાને ત્રણ વર્ષ વીતી ગયા છે. હવે કોહલીને લાગે છે કે પિચ ભૂતકાળ જેવી લાગતી નથી એટલે તે ત્રણ-પાંખીયા ફાસ્ટ બોલિંગ આક્રમણ પર આધાર રાખવાનો છે. પિચ મેચની શરૂઆતમાં ફાસ્ટ બોલરોને યારી આપ્યા બાદ પછી બેટ્સમેનોને માફક આવતી થઈ જશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પાંચેય દિવસ આકાશ સ્વચ્છ રહેશે અને ઉષ્ણતામાન 25-28 ડિગ્રી રહેવાની ધારણા છે.
કોહલીએ જણાવ્યું છે કે ઈલેવનમાં ફાસ્ટ બોલર ઈશાંત શર્માને સામેલ કરવામાં આવશે. એ રાંચીમાં સાઉથ આફ્રિકા સામેની ત્રીજી-આખરી ટેસ્ટ મેચમાં રમ્યો નહોતો. હવે એ પુનરાગમન કરશે. એ ત્રીજા સ્પિનર શાહબાઝ નદીમનું સ્થાન લેશે, જે રાંચીમાં રમ્યો હતો.
વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને મંગળ અને બુધવારે નેટ પ્રેક્ટિસ વખતે લાંબા સમય સુધી સામેલ કરાયો હતો, પરંતુ ઈલેવનમાં કીપર તરીકે તો રિદ્ધિમાન સહા જ રહેશે.
ભારતની સંભવિત ઈલેવનઃ રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સહા, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી.
બાંગ્લાદેશ ટીમ શાકીબ અલ હસન જેવા અનુભવી ખેલાડીની ગેરહાજરીનો અનુભવ કરશે. ટીમ આ સ્થિતિમાં ઈમરુલ કેઈસ (ટોપ ઓર્ડર બેટ્સમેન) અને 24 વર્ષીય શદમાન ઈસ્લામની બેટિંગ ક્ષમતા પર નિર્ભર રહેશે.
બાંગ્લાદેશની સંભવિત ઈલેવનઃ ઈમરુલ કેઈસ, શાદમાન ઈસ્લામ, મોમિનુલ હક, મુશ્ફિકુર રહિમ, મેહમુદુલ્લા, લિટન દાસ, મોહમ્મદ મિથુન, મેહદી હસન, તાઈજુલ ઈસ્લામ, અબુ જાયેદ, ઈબાદત હુસેન.