પહેલી ટેસ્ટ પહેલો દિવસઃ શમી, પૂજારાના દેખાવને કારણે ભારતનું વર્ચસ્વ રહ્યું

ઈન્દોર – ભારતના ફાસ્ટ બોલરોની ત્રિપુટીએ ઘાતક બોલિંગ કરતાં પ્રમાણમાં નબળી બાંગ્લાદેશ ટીમ અહીં પહેલી ટેસ્ટ મેચના આજે પહેલા દિવસે જ તેના પહેલા દાવમાં માત્ર 150 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જેને કારણે આ મેચ પર ભારત પકડ જમાવી શક્યું છે.

બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. પણ એના બેટ્સમેનો બે સત્ર પૂરતું જ રમી શક્યા હતા અને માત્ર 58.3 ઓવરનો જ સામનો કરી શક્યા હતા અને 150 રનમાં તંબૂ ભેગા થઈ ગયા હતા.

ભારતને ત્યારબાદ 26 ઓવર રમવા મળી હતી જેમાં એણે રોહિત શર્મા (6)ની વિકેટ ગુમાવીને 86 રન કર્યા હતા. મયંક અગ્રવાલ 37 અને ચેતેશ્વર પૂજારા 43 રન સાથે દાવમાં હતો. બંને વચ્ચે 72 રનની અતૂટ ભાગીદારી થઈ છે.

બાંગ્લાદેશે ચાર-બોલરોવાળું બોલિંગ આક્રમણ પસંદ કર્યું છે.

આજની મેચ વિશ્વમાં નંબર-1 અને નંબર-9 ટીમની વચ્ચે રમાઈ રહી છે.

ભારત વતી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો હતો. એણે 13 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. એક તબક્કે એને હેટ-ટ્રિકની તક પણ મળી હતી.

અન્ય બે ફાસ્ટ બોલરમાં, ઉમેશ યાદવે 14.3 ઓવરમાં 47 રનમાં 2 અને ઈશાંત શર્માએ 12 ઓવરમાં 20 રનમાં 2 વિકેટ લીધી હતી. ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 16 ઓવર ફેંકી હતી અને 43 રન આપીને 2 વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશની ટીમમાં એકેય બેટ્સમેન હાફ સેન્ચુરી કરી શક્યો નહોતો. 43 રનનો આંકડો સૌથી ઊંચો રહ્યો, જે મુશ્ફીકુર રહીમનો હતો. કેપ્ટન મોમિનુલ હકે 37 રન કર્યા હતા. ઓપનિંગ જોડીના બેટ્સમેનો – શદમન ઈસ્લામ અને ઈમરુલ કેઈસ બંને જણ વ્યક્તિગત 6 રન કરીને આઉટ થયા હતા.

ભારતીય ટીમ તેના ઝંઝાવાતી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વગર રમી રહી છે. બુમરાહને સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હોવાથી ડોક્ટરોએ એને આરામ કરવાની સલાહ આપી છે.

બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચ 22 નવેંબરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે જે ડે-નાઈટ હશે.ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં 14 નવેંબર, ગુરુવારથી શરૂ થયેલી શ્રેણીની પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતના બોલરોનું બાંગ્લાદેશ ટીમ ઉપર વર્ચસ્વ રહ્યું હતું. બાંગ્લાદેશના બેટ્સમેનો એમના પહેલા દાવમાં માત્ર 58 ઓવર જ રમી શક્યા હતા અને માત્ર 150 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. ભારતના 3 ફાસ્ટ બોલરો - મોહમ્મદ શમી, ઈશાંત શર્મા અને ઉમેશ યાદવે એમની વચ્ચે 7 વિકેટ વહેંચી લીધી હતી. શમીએ 3, શર્મા-યાદવે 2-2 વિકેટ લીધી હતી. ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 2 વિકેટ ઝડપી હતી. એક બેટ્સમેન રનઆઉટ થયો હતો. બાંગ્લાદેશ ટીમમાં 43 રનનો આંકડો સૌથી ઊંચો રહ્યો, જે મુશ્ફીકુર રહીમનો હતો. કેપ્ટન મોમિનુલ હકે 37 રન કર્યા હતા.