દબાણ હોય તો કેળાંની દુકાન લગાવો, ઈંડાં વેચોઃ કપિલ દેવ

 કોલકાતાઃ  કપિલ દેવ વિવાદિત નિવેદનો માટે હંમેશાં ચર્ચામાં રહે છે. તેમણે હવે ક્રિકેટરો પર નિશાન સાધ્યું છે, જે વારંવાર માનસિક આરોગ્ય અને દબાણનો હવાલો આપીને બ્રેક લેવાની વાત કરે છે. આવા ક્રિકેટરોને કપિલ દેવે ફટકાર લગાવી છે અને તેમને તેમનું વલણ બદલવા માટે કહ્યું છે.

જો તમે રમવા નથી ઇચ્છતા તો ના રમો. શું તમને કોઈ રમવા માટે મજબૂર કરી રહ્યું છે? જઈને કેળાંની દુકાન લગાવો અથવા ઇંડાં વેચો. તમને એક તક મળી છે તો તમે એને દબાણ સ્વરૂપે કેમ લો છો?  એને આનંદ તરીકે લો અને મજા કરો. જે દિવસે તમે આવું  કરવા માંડશો તમને તમારું કામ સરળ લાગશે, પણ જો તમે એને દબાણ કહેશો તો એનાથી સમસ્યાનું સમાધાન નહીં નીકળે, આવું કહેવું છે ભૂતપૂર્વ ક્રિકેટના કેપ્ટન કપિલ દેવનું.

કપિલ દેવે એ ક્રિકેટરો પર નિશાન સાધ્યું છે –જે મેન્ટલ હેલ્થ અને દબાણનો હવાલો આપીને બ્રેક લેતા હોય છે. આ ક્રિકેટરોને કપિલ દેવે આડે હાથ લીધા હતા. કોલકાતામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે આજકાલ ક્રિકેટરો કહે છે કે અમે IPL રમીએ છીએ, એટલે બહુ દબાણ રહે છે. આ સબ્દ ઘણો કોમન છે. આવા ક્રિકેટરોને એટલું જ કહેવાનું કે નહીં રમો, તમને કોણ કહે છે કે રમો? દબાણ છે તો તમને એટલા માન-સન્માન ને નાણાં પણ તો મળે છે. જો તમને ગાળોની બીક લાગતી હોય તો તમે રમવાનું બંધ કરી દો. તમે દેશ વતી રમો છો અને તમને દબાણ છે. 100 કરોડ લોકોમાંતી તમે 20 લોકો રમી રહ્યા છો અને કહી રહ્યા છો કે દબાણ છે, એમ તેમણે કહ્યું હતું.