સિડનીઃ આઈપીએલની રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સ્પર્ધા આ વખતે ભારત બહાર રમાવાની છે એ જાણીને હતાશા વ્યક્ત કરી છે. કોરોના વાઇરસ રોગચાળાને કારણે ગયા માર્ચમાં સ્થગિત થયેલી કેશ-રિચ લીગની 13મી આવૃત્તિને હવે સપ્ટેમ્બરથી UAEમાં આયોજિત કરવામાં આવનાર છે.
IPLના ચેરમેન બ્રિજેશ પટેલે ગયા સપ્તાહમાં કહ્યું હતું કે આ વર્ષે IPL લીગ 19 સપ્ટેમ્બરથી આઠ નવેમ્બરની આસપાસ રમાડવામાં આવશે અને ફ્રેન્ચાઇઝીને પણ આની જાણ કરવામાં આવી હતી.
ક્રિકેટરોએ UAEની શરતોનો સ્વીકાર કરવો પડશે
સ્મિથે કહ્યું હતું કે ક્રિકેટરોએ UAEની શરતોનો સ્વીકાર કરવો પડશે, પણ તેના જણાવ્યા અનુસાર કોઈ મુશ્કેલી નહીં ઊભી થાય. દરેક ક્રિકેટર માત્ર મેદાન પર ઊતરતી વખતે કોરોના વાઇરસને અટકાવવાના પ્રયાસ કરશે અને સારી ગુણવત્તાવાળી ક્રિકેટ રમવા માટે ઉત્સુક હશે.
ઘણા ક્રિકેટરોને ત્યાં રમવાનો અનુભવ
રાજસ્થાન રોયલ્સની ડોક્યુમેન્ટરી ઇનસાઇડ સ્ટોરીના સ્પેશિયલ પ્રીમિયર પછી વિડિયો કોન્ફરન્સ દ્વારા સ્મિથે પત્રકારોને કહ્યું હતું કે મને લાગે છે કે પ્રોફિશનલ ક્રિકેટર હોવાને કારણે તમારે તમારી સામેની સ્થિતિને અનુકૂળ થવાનું હોય છે અને એ કોચિંગ સ્ટાફને સ્પષ્ટ સંદેશ છે, જે ટીમના 2019ની IPL ઝુંબેશને પ્રદર્શિત કરે છે.
દુબઈમાંની પરિસ્થિતિ ભારત જેવી જ હોઈ શકે અથવા અલગ પણ હોઈ શકે છે. પરિસ્થિતિને કેટલા અનુરૂપ થઈ શકીએ છીએ એની પર બધો આધાર રહે છે. ઘણા ક્રિકેટરોને ત્યાં રમવાનો અનુભવ છે. 2014માં IPL ત્યાં રમાઈ હતી અને મને લાગે છે કે એના પહેલાં ઘણા ખેલાડીઓ ત્યાં IPL રમી ચૂક્યા છે.
મને લાગે છે કે કેટલાક ક્રિકેટરો ગુણવત્તાયુક્ત ક્રિકેટ રમવા માટે આતુર છે. જોકે એ ભારતમાં નથી રમાવાની એટલે નિરાશાજનક છે. અમને ત્યાં રમવું વધુ પસંદ છે, એમ સ્મિથે કહ્યું.
દરેક જણ એક જ બોટમાં સવાર
સ્મિથે ટુર્નામેન્ટમાં રમનાર ક્રિકેટરો વિશે વાત કરતાં કહ્યું હતું કે કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખતાં તેઓ ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા નથી.
આ ઓસ્ટ્રેલિયન બેટ્સમેને એમ પણ કહ્યું કે અમે સૌ એક જ બોટમાં સવાર થયા હોઈશું અને કોઈ પણ ટીમને એનાથી એડવાન્ટેજ મળે એવું માની લેવું ન જોઈએ.
આ એક પડકારજનક રહેશે, કેમ કે મોટા ભાગના ક્રિકેટરોએ હાલના સમયમાં ક્રિકેટ રમ્યા નથી. એ દ્રષ્ટિકોણથી આ વખતની સ્પર્ધા બધાયને માટે સમાન રહેશે, એમ સ્મિથે કહ્યું હતું.
IPL બહુ રોમાંચક રહેશે
દરેક ક્રિક્રેટરે લગભગ સરખી જ તૈયારી કરી હશે એટલે એ સારું રહેશે. IPL-2020 રોમાંચક રહેશે અને રસાકસીભરી રહેશે એ નક્કી છે.