લંડન – અહીં ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર બીજી ટેસ્ટ મેચમાં વરસાદ અને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરોના આક્રમણ સામે ભારતનો એક દાવ અને 159 રનથી શરમજનક પરાજય થયો છે. આ સાથે પાંચ-મેચોની સિરીઝમાં ઈંગ્લેન્ડે 2-0ની સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે.
મેચના આજે ચોથા દિવસે ભારતનો બીજો દાવ ત્રીજા સત્રમાં 47 ઓવર પૂરતો ટક્યો હતો અને માત્ર 130 રનમાં પૂરો થયો હતો. ભારતે પહેલા દાવમાં 107 રન કર્યા હતા. ઈંગ્લેન્ડે પહેલો દાવ 7 વિકેટે 396 રને ડિકલેર કરતાં ભારતને માથે 289 રનનું દેવું હતું. ભારતીય બેટ્સમેનો ફરી નિષ્ફળ ગયા અને એ ખાધને ભૂંસી ન શક્યા.
બીજા દાવમાં ભારતની બેટિંગની કમ્મર તોડવામાં જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ આગળ પડતા રહ્યા. એન્ડરસને 12 ઓવરમાં 23 રનમાં 4 અને બ્રોડે 16 ઓવરમાં 44 રનમાં 4 વિકેટ લીધી. ક્રિસ વોક્સે પંડ્યા અને ઈશાંતને આઉટ કર્યા હતા.
ભારતને આજે ફરી તેની ઓપનિંગ જોડી દગો દઈ ગઈ. એન્ડરસને મુરલી વિજય (0) અને લોકેશ રાહુલ (10)ને આઉટ કરતાં જે ફટકા પડ્યા એમાંથી ભારત બહાર આવી શક્યું નહીં. ચેતેશ્વર પૂજારા 17, અજિંક્ય રહાણે 13, પીઠના દુખાવાથી પરેશાન કેપ્ટન વિરાટ કોહલી 17 રન કરીને આઉટ થયો હતો. વિકેટકીપર દિનેશ કાર્તિક ખાતું ખોલાવી શક્યો નહોતો. હાર્દિક પંડ્યા (26) અને રવિચંદ્રન અશ્વિન (33*)ની જોડીએ સાતમી વિકેટ માટે 55 રન ઉમેર્યા હતા. આ જોડી તૂટ્યા બાદ કુલદીપ યાદવ અને મોહમ્મદ શમી ઝીરો પર અને ઈશાંત શર્મા બે રન કરીને આઉટ થયો હતો.
ભારત પહેલી ટેસ્ટ મેચ 31 રનથી હાર્યું હતું. ત્રીજી ટેસ્ટ 18 ઓગસ્ટથી નોટિંઘમમાં રમાશે.
લોર્ડ્સ ટેસ્ટમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ગયો ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ. એણે બોલિંગમાં 19 રનમાં બે અને 24 રનમાં બે વિકેટ લીધી અને બેટિંગમાં 137 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ એક કોર્ટ કેસને કારણે આ મેચ ચૂકી ગયો હતો અને એની જગ્યાએ ઈલેવનમાં સામેલ થયેલો વોક્સ ફાવી ગયો.
ઈંગ્લેન્ડે 6 વિકેટે 357 રનનો તેનો ગઈ કાલનો અધૂરો પહેલો દાવ આજે આગળ વધાર્યો હતો. સેમ કરન 40 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થતાં કેપ્ટન જો રૂટે ઈંગ્લેન્ડનો દાવ ડિકલેર કરી દીધો હતો. ક્રિસ વોક્સ 137 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એણે 177 બોલનો સામનો કર્યો હતો અને 21 ચોગ્ગા ફટકાર્યા હતા. 20 વર્ષીય લબરમૂછાળા કરને 49 બોલના દાવમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.