મેચ-એકતરફી બની જતાં ઈશ સોઢી (MoM)ને આશ્ચર્ય

દુબઈઃ ગઈ કાલે અહીં ન્યૂઝીલેન્ડ સામે ગ્રુપ-2ની મેચમાં 8-વિકેટથી કારમો પરાજય થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે T20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પહોંચવાનું અશક્ય ભલે નહીં, પરંતુ અત્યંત મુશ્કેલ બની ગયું છે. સ્પર્ધામાં પહેલી બંને ગ્રુપ મેચ (પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે) હારી જતાં ભારતીય ટીમ -1.609ના રનરેટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા ક્રમે છે. સેમી ફાઈનલમાં પહોંચવા માટે વિરાટ કોહલી અને તેના સાથીઓ માટે હજી અમુક આશા છે, પરંતુ એ બહુ પાતળી છે.

હવે ભારતીય ટીમે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા સામે મોટા માર્જિનથી જીતવું પડશે, તો જ એનો નેટ રનરેટ સુધરી શકશે. બાકીની મેચોમાં વિજયી થવા ઉપરાંત ભારત માટે એ પણ જરૂરી બનશે કે ન્યૂઝીલેન્ડની ટીમ એની બાકીની ત્રણમાંથી બે મેચમાં હારી જાય જ્યારે નામીબિયા પણ એની બાકીની બંને મેચ હારી જાય. જો આવું થાય તો ભારત પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબરે આવી શકે. બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમ સેમી ફાઈનલમાં જશે. ભારતીય ટીમે હવે બુધવારે અફઘાનિસ્તાન સામે રમશે. તે ટીમ પાસે કેપ્ટન મોહમ્મદ નબી રશીદ ખાન અને મુજીબ ઉર રેહમાન જેવા ઉત્તમ સ્પિનરો છે. ત્યારબાદ પાંચ નવેમ્બરે સ્કોટલેન્ટ સામે અને 8 નવેમ્બરે નામીબિયા સામે મેચ છે. ન્યૂઝીલેન્ડને હવે નામીબિયા, સ્કોટલેન્ડ અને અફઘાનિસ્તાન સામે રમવાનું છે. તે આમાંની બે મેચ હારી જાય એવું એકદમ અસંભવ લાગે છે.

કેપ્ટન, વાઈસ-કેપ્ટનની વિકેટો લેનાર ઈશ સોઢી

ટોસ હારી જતા પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ કેપ્ટન કોહલી, વાઈસ કેપ્ટન રોહિત શર્મા સહિત ભારતના ટોચના બેટ્સમેનોએ તદ્દન કંગાળ દેખાવ કર્યો હતો. એને કારણે ટીમ 20 ઓવરમાં માત્ર 110 રન જ બનાવી શકી હતી. એના જવાબમાં, ન્યૂઝીલેન્ડે ઓપનર ડેરીલ મિચેલના 49 અને કેપ્ટન કેન વિલિયમસનના અણનમ 33 રનની મદદથી માત્ર 14.3 ઓવરમાં બે વિકેટના ભોગે 111 રન કરીને મેચ આસાનીથી જીતી લીધી હતી. ભારતના દાવમાં પોતાના હિસ્સાની 4 ઓવરમાં માત્ર 17 રન આપીને રોહિત શર્મા અને કોહલીની સૌથી કિંમતી વિકેટો લેનાર ન્યૂઝીલેન્ડના લેગ-સ્પિનર ઈશ સોઢીને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. મેચ બાદ સોઢીએ કહ્યું કે, ‘મેં ધાર્યું નહોતું કે ભારત સામે અમારી ટીમ આટલી આસાનીથી જીતી જશે. ભારતીય ટીમ તો વર્લ્ડ-ક્લાસ ખેલાડીઓથી ભરપૂર છે. અમારી સામે એમનો ભૂતકાળનો દેખાવ પણ ઘણો સારો રહ્યો છે. એમને હરાવવા બહુ જ મુશ્કેલ ગણાય. તે છતાં અમારે મન આ જીત વિશેષ છે, કારણ કે પાછલી મેચમાં પાકિસ્તાન સામે અમારી હાર થઈ હતી.’