કોલકાતાઃ ગયા અઠવાડિયે ડોમિનિકાના વિન્ડસર પાર્ક મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ ગયેલી ભારતની પહેલી ટેસ્ટ મેચમાં યુવાન વયના ડાબોડી બેટર યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ કર્યું હતું અને પહેલા જ દાવમાં 387 બોલમાં 171 રન ફટકાર્યા હતા. આ દેખાવ બદલ એને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બે-મેચની શ્રેણીમાં ભારતે 1-0ની સરસાઈ મેળવી છે. બીજી અને આખરી ટેસ્ટ મેચ 20 જુલાઈથી ટ્રિનિડાડના પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાશે.
યશસ્વીના દેખાવની ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ ખૂબ પ્રશંસા કરી છે અને કહ્યું છે કે આ બેટરની પસંદગી આગામી ODI વર્લ્ડ કપ સ્પર્ધામાં કરવી જ જોઈએ. કોઈ પણ ખેલાડી એની કારકિર્દીની પહેલી જ મેચમાં સદી ફટકારે એ બહુ મોટી સિદ્ધિ ગણાય. મેં પણ એ સિદ્ધિ હાંસલ કરી હતી. તેથી મને ખબર છે કે તે કેટલી બધી વિશિષ્ટ હોય છે. બેટિંગ ટેક્નિકની દ્રષ્ટિએ પણ યશસ્વી ઘણો જ ઉત્તમ જણાય છે. ટીમમાં ડાબોડી બેટ્સમેનની હાજરી હંમેશાં મદદરૂપ થતી હોય છે. તેથી એને વર્લ્ડ કપ ટીમમાં પણ સામેલ કરવો જ જોઈએ.
