ફિફા વર્લ્ડ-કપઃ ફ્રાન્સ SFમાં, ઈંગ્લેન્ડની આગેકૂચનો અંત

દોહાઃ અહીં રમાતી ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધા-2022માં ચારેય સેમી ફાઈનલ સ્થાન નક્કી થઈ ગયા છે. ગઈ કાલે આખરી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભૂતપૂર્વ ચેમ્પિયન ફ્રાન્સે ઈંગ્લેન્ડને 2-1થી પરાજય આપી એની વર્લ્ડ કપ સફરને સમાપ્ત કરાવી દીધી. હવે સેમી ફાઈનલમાં ફ્રાન્સનો મુકાબલો મોરોક્કો સાથે 15 ડિસેમ્બરે થશે. મોરોક્કોએ અન્ય ક્વાર્ટર ફાઈનલમાં પોર્ટુગલને 1-0થી આંચકો આપ્યો હતો. ટીમનો એકમાત્ર ગોલ યુસુફ એન-નેસીરીએ 42મી મિનિટે કર્યો હતો. વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પહોંચનાર મોરોક્કો પહેલી આફ્રિકન ટીમ બની છે. સેમી ફાઈનલની અન્ય બે ટીમ છે – આર્જેન્ટિના અને ક્રોએશિયા. તે મેચ 14 ડિસેમ્બરે રમાશે. ત્રીજા ક્રમ માટેની મેચ 17મીએ અને ફાઈનલ મેચ 18 ડિસેમ્બરના રવિવારે રમાશે. બંને સેમી ફાઈનલ મેચ ભારતીય સમય મુજબ મધરાત બાદ 12.30 વાગ્યે શરૂ થશે.

ફ્રાન્સ-ઈંગ્લેન્ડ મેચમાં, ફ્રાન્સના ઓરેલીયન ટીચોમેનીએ 17મી મિનિટે ગોલ કર્યો હતો. હાફ-ટાઈમે ફ્રાન્સ 1-0થી આગળ હતું. 54મી મિનિટે ઈંગ્લેન્ડના હેરી કેને ગોલ કરીને સ્કોરને સમાન કર્યો હતો. રોમાંચક બની ગયેલી મેચમાં 78મી મિનિટે ફ્રાન્સનો ઓલિવિયર ગિરોડ ત્રાટક્યો હતો અને તે ગોલ ફ્રાન્સ માટે વિજયી સાબિત થયો હતો. હેરી કેન પેનલ્ટીને ગોલમાં ફેરવવામાં નિષ્ફળ જતાં ઈંગ્લેન્ડે સ્પર્ધામાંથી વિદાય લેવી પડી.

ઈંગ્લેન્ડ 2018ની વર્લ્ડ કપમાં સેમી ફાઈનલમાં પહોંચ્યું હતું, પણ આ વખતની સ્પર્ધામાં કુલ 12 ગોલ કર્યા બાદ ક્વાર્ટર ફાઈનલમાં પરાજિત થયું છે.

ફ્રાન્સ વતી એના સ્ટાર ખેલાડી કાઈલીયન એમ્બાપ્પે ગઈ કાલની મેચમાં ભલે કોઈ ગોલ કર્યો નહોતો, પરંતુ તેની આક્રમક રમતથી ઈંગ્લેન્ડના હરીફો પરેશાન થયા હતા. આ વર્લ્ડ કપમાં તે સૌથી વધુ, પાંચ ગોલ કરી ચૂક્યો છે. પોતાની જ ટીમના ગિરોડ અને આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી કરતાં એક-એક વધારે.

પોર્ટુગલનો સુપરસ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સતત બીજી મેચમાં શરૂઆતથી રમ્યો નહોતો. છેક 51મી મિનિટે સબ્સ્ટિટ્યૂટ તરીકે મેદાનમાં ઉતર્યો હતો. મેચ પૂરી થયા બાદ એ રડતો રડતો ટનલમાં જતો દેખાયો હતો.