પહેલી ટેસ્ટઃ ફોલોઓન ટાળવાનું ટીમ ઈન્ડિયાને ટેન્શન

ચેન્નાઈઃ અહીં ઈંગ્લેન્ડ સામે રમાતી પહેલી ટેસ્ટ મેચમાં આજ ત્રીજા દિવસની રમતને અંતે ભારતે તેના પહેલા દાવમાં 6 વિકેટે 257 રન કર્યા હતા, પણ પ્રવાસી ટીમ કરતાં તે હજી 321 રન પાછળ છે અને ફોલોઓન થવાનો તેને માથે ખતરો તોળાય છે. ઈંગ્લેન્ડનો પહેલો દાવ આજે 578 રનમાં પૂરો થયો હતો.

ભારતની આજની રમતની વિશેષતા રહ્યા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતના શાનદાર 91 રન. છઠ્ઠા ક્રમે રમવા ઉતરેલા પંતે આ રન માત્ર 88 બોલમાં ઝૂડી કાઢ્યા હતા જેમાં 9 ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. તેની આ આક્રમક બેટિંગે ઈંગ્લેન્ડના બોલરો સામે ભારતના પ્રતિકારની આગેવાની લીધી હતી. ચેતેશ્વર પૂજારાએ સાવચેતીભરી-ગંભીર બેટિંગ દ્વારા 73 રન કર્યા હતા. તેણે 143 બોલનો સામનો કર્યો હતો, જેમાં 11 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ભારતે ગુમાવેલી અન્ય 4 વિકેટ છેઃ રોહિત શર્મા (6), શુભમન ગિલ (29), કેપ્ટન વિરાટ કોહલી (11) અને અજિંક્ય રહાણે (1). 73 રનના સ્કોર પર ભારતે રહાણેની વિકેટ ગુમાવ્યા બાદ પૂજારા અને પંતની જોડીએ 119 રનની ભાગીદારી કરીને સ્કોરને 192 રન પર પહોંચાડ્યો હતો. 225 રનના સ્કોર પર પંત આઉટ થયા બાદ વોશિંગ્ટન સુંદર (33*) અને રવિચંદ્રન અશ્વિન (8*)ની જોડીએ વધુ નુકસાન થતા અટકાવ્યું હતું. ભારતે ગુમાવેલી 6માંની ચાર વિકેટ ઓફ્ફ સ્પિનર ડોમિનિક બેસે લીધી હતી. ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે શર્મા અને ગિલની ઓપનિંગ જોડીને આઉટ કરી હતી. ઈંગ્લેન્ડના પહેલા દાવમાં કેપ્ટન જો રૂટના 218, ઓપનર ડોમિનિક સિબ્લેના 87 અને બેન સ્ટોક્સના 82 રન ઉલ્લેખનીય છે. બુમરાહ અને અશ્વિને 3-3, ઈશાંત અને કારકિર્દીની બીજી ટેસ્ટ રમી રહેલા ડાબોડી સ્પિનર (બિહાર) શાહબાઝ નદીમે 2-2 વિકેટ લીધી હતી.