યૂરોપની સર્વશ્રેષ્ઠ ચેસ પ્રતિભા બની 8 વર્ષની બ્રિટિશ-ભારતીય છોકરી બોધના શિવાનંદન

લંડનઃ આઠ વર્ષની બ્રિટિશ-ભારતીય સ્કૂલ વિદ્યાર્થિની બોધના શિવાનંદને ચેસની રમતમાં ઈતિહાસ સર્જ્યો છે. તે એક યૂરોપીયન ચેસ સ્પર્ધામાં સુપર ટેલેન્ટેડ સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે ઘોષિત કરાઈ છે. બોધના લંડનના હેરો ઉપનગરમાં રહે છે. તેણે ક્રોએશિયાના ઝેગ્રેબ શહેરમાં રમાઈ ગયેલી યૂરોપીયન બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં વિજેતાપદ હાંસલ કર્યું છે. આ સ્પર્ધામાં તે દુનિયાના કેટલાક બેસ્ટ ખેલાડીઓ સાથે વ્યક્તિગત સ્તરે ચેસ રમી હતી અને એ બધાને તેણે હરાવી દીધા હતા. એક ઈન્ટરનેશનલ માસ્ટર ખેલાડીને હરાવીને તેણે સ્પર્ધાનું વિજેતાપદ પ્રાપ્ત કર્યું હતું.

બોધનાએ 8.5/13 હાંસલ કર્યા હતા અને પ્રથમ ઈનામ જીત્યું હતું. બોધનાએ બાદમાં બીબીસી ચેનલને જણાવ્યું હતું કે, ‘હું હંમેશાં જીતવા માટે મારાં શ્રેષ્ઠ પ્રયાસો કરું છું. ક્યારેક મને જીત મળે છે તો ક્યારેક નથી મળતી.’

બોધનાનાં પિતા શિવા શિવાનંદને કહ્યું કે, ‘કોરોનાવાઈરસ મહામારીના ફેલાવા દરમિયાન લોકડાઉન વખતે એમની પુત્રીએ ચેસની રમત શીખવાનું શરૂ કર્યું હતું. એને ચેસ રમવાનું અને પ્રવાસ કરવાનું બહુ ગમે છે. અમે એને ગમે એ કરીએ છીએ. બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકે પણ ચેસની રમતના વિકાસ માટે બ્રિટિશ સરકારની યોજના અંતર્ગત બોધના તથા બીજા યુવા ચેસ ઉત્સાહી ખેલાડીઓને એમના સત્તાવાર નિવાસસ્થાને આમંત્રિત કર્યાં હતાં’