પહેલી વન-ડેમાં ભારતે શ્રીલંકાને 7-વિકેટથી હરાવ્યું

કોલંબોઃ અહીંના પ્રેમદાસ સ્ટેડિયમ ખાતે આજે રમાઈ ગયેલી પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં શિખર ધવનના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમે યજમાન શ્રીલંકાને 7-વિકેટથી પછાડી દીધું અને ત્રણ-મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ટોસ જીતીને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 262 રન કરી શકી હતી. ભારતે તેના જવાબમાં 36.4 ઓવરમાં 3 વિકેટના ભોગે 263 રન કરીને મેચ આસાનીથી જીતી લીધી. 24 બોલમાં 43 રન કરનાર ઓપનર પૃથ્વી શૉને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો છે.

શ્રીલંકાના દાવમાં એકેય હાફ-સેન્ચુરી થઈ નહોતી, પણ ભારતના દાવમાં બે બેટ્સમેને અડધી સદી પાર કરી હતી. કેપ્ટન ધવન 95 બોલમાં 86 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કારકિર્દીની પહેલી જ મેચ રમનાર વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશને 59 રન કર્યા હતા. 58 રનના સ્કોર પર શૉ આઉટ થયા બાદ ધવન અને કિશને બીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી. મનીષ પાંડેએ 26 રન કર્યા હતા જ્યારે કારકિર્દીની પહેલી મેચ રમનાર સૂર્યકુમાર યાદવ 31 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. શ્રીલંકાના દાવમાં ફાસ્ટ બોલર દીપક ચાહર, સ્પિનરો – યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવે લીધી શ્રીલંકાની બબ્બે વિકેટ લીધી હતી જ્યારે હાર્દિક પંડ્યા અને એના મોટા ભાઈ કૃણાલ પંડ્યાએ એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો. સિરીઝની બીજી મેચ 20 જુલાઈએ આ જ મેદાન પર રમાશે અને ત્રીજી તથા છેલ્લી વન-ડે 23મીએ રમાશે. ત્યારબાદ બંને ટીમ વચ્ચે ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમાશે.