રાંચી- ‘કેપ્ટન કૂલ’ના હુલામણા નામથી જાણીતા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આજે 37 વર્ષ પુરા કર્યા. 07 જુલાઈ 1981ના રોજ જન્મેલા મહેન્દ્રસિંહ ધોનીએ 23 ડિસેમ્બર 2004ના રોજ સૌપ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ પહેરી હતી. ત્યારથી આજસુધી 14 વર્ષ દરમિયાન ધોનીએ અનેક રેકોર્ડ્સ પોતાને નામ કર્યા છે. જે વર્તમાન અને આવનારા દરેક ખેલાડી માટે એક સિમાચિહ્ન રુપ સાબિત થશે.કારકિર્દીની શરુઆતમાં ધોની ઉપલા ક્રમે બેટિંગ કરતા હતા. પરંતુ જ્યારથી ધોની કેપ્ટન બન્યા ત્યારથી તેમણે નીચલા ક્રમમાં રમવાનું શરુ કર્યું. સાત નંબર પર બેટિંગ કરતી વખતે ધોનીના નામે સૌથી વધુ વનડે શતક બનાવવાનો રેકોર્ડ છે. સાતમા નંબરે ધોનીએ બે સદી ફટકારી છે. જેમાં એક વર્ષ 2012માં પાકિસ્તાન સામે અને બીજી એશિયા ઈલેવન તરફથી રમતા આફ્રિકા ઈલેવન સામે સદી ફટરાકી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીએ અત્યાર સુધીમાં 342 સિક્સર ફટકારી છે. યાદીમાં ભારતનો અન્ય કોઈપણ ખેલાડી ધોનીના રેકોર્ડની આસપાસ પણ નથી. ગ્રાઉન્ડ પર લાંબી લાંબી સિક્સરો ફટકારવી હંમેશાથી ધોનીની તાકાત રહી છે. ધોનીએ અત્યાર સુધીમાં 342 સિક્સર ફટકારી છે. આ પૈકી 217 સિક્સર વન-ડેમાં ફટકારી છે. ભારતીય ખેલાડી તરીકે એક રેકોર્ડ છે.
ધોની ચપળ બેટ્સમેન તો છે જ. વિકેટની પાછળ ઉત્તમ વિકેટકીપર પણ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીના ખાતામાં 178 સ્ટમ્પિંગનો રેકોર્ડ છે. વિકેટ પાછળ ધોનીએ અત્યાર સુધીમાં કુલ 780 ખેલાડીઓને પોતાના શિકાર બનાવ્યા છે.
પોતાની કારકિર્દીની શરુઆતમાં જ ધોનીએ શ્રીલંકા સામે 183 રનની ઈનિંગ રમી હતી. જે વનડેમાં કોઈપણ વિકેટકીપર બેટ્સમેન દ્વારા કરવામાં આવેલો શ્રેષ્ઠ સ્કોર છે. ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટની 172 રનની ઈનિંગ બીજા નંબરની વ્યક્તિગત ઈનિંગ છે.
ધોનીની કપ્તાનીમાં ભારતે 110 વનડે અને 27 ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી. આ યાદીમાં પણ ધોની હજી સુધી ભારતના સૌથી સફળ કેપ્ટન છે. બીજા નંબરે સૌરવ ગાંગુલી છે. જેની કપ્તાનીમાં ભારતે 76 વનડે અને 21 ટેસ્ટ મેચ જીતી હતી. અહીં પણ ધોની ખૂબ આગળ છે.
ધોનીની કપ્તાનીમાં ભારતે વર્ષ 2007માં ટી-20 વિશ્વકપ, વર્ષ 2011માં 50 ઓવર વિશ્વકપ અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. આવો અનોખો રેકોર્ડ ધરાવનારા ધોની ક્રિકેટ વિશ્વના એકમાત્ર કપ્તાન છે.