ભારતીય સેના દ્વારા વ્યક્તિઓને માનદ્દ રેન્ક્સ અપાય એ મને પસંદ નથી: ગૌતમ ગંભીર

નવી દિલ્હી – ભૂતપૂર્વ ક્રિકેટર અને હવે ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય બનેલા ગૌતમ ગંભીરનું કહેવું છે કે ભારતીય લશ્કરમાં માનદ્દ રેન્ક સાથે મહેન્દ્ર સિંહ ધોની જે કામગીરી બજાવે છે તેનાથી પોતે પ્રભાવિત થયા છે, પરંતુ ભારતીય સંરક્ષણ દળો તરફથી વ્યક્તિઓને આ રીતે માનદ્દ રેન્ક્સ આપવામાં આવે એવું પોતે પસંદ કરતા નથી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષની આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ વખતે ધોનીએ એના વિકેટકીપિંગ ગ્લોવ્સ પર ભારતીય લશ્કરનું એક પ્રતીક દર્શાવતાં વિવાદ થયો હતો. આખરે આઈસીસી સંસ્થાએ બીસીસીઆઈને વિનંતી કરી હતી કે તે ધોનીને એના ગ્લોવ્સ પરથી ભારતીય લશ્કરવાળું પ્રતીક હટાવવા કહે.

તે વિવાદના સંદર્ભમાં ગંભીરને એક ઈન્ટરવ્યૂમાં સવાલ પૂછતાં, એમણે કહ્યું કે ધોનીને અંગત રીતે એ દર્શાવવું ગમે તો ઠીક છે, પણ એના વિવાદાસ્પદ સમાચાર બનવા ન જોઈએ. સાચું કહું તો, ભારતીય લશ્કરને કોઈ પ્રકારના પ્રચારની જરૂર જ નથી. આર્મીને કોઈ પ્રકારના માર્કેટિંગની જરૂર નથી. સંરક્ષણ દળો માનદ્દ રેન્ક્સ આપે એની પણ હું ક્યારેય તરફેણ કરતો નથી. હું એ વિશે મારા વિચાર અગાઉ પણ વ્યક્ત કરી ચૂક્યો છું. ભારતીય સેનાનો ગણવેશ મેળવવા માટે લોકો એમનો પરસેવો અને લોહી રેડી દેતા હોય છે.

ગંભીરે વધુમાં કહ્યું કે, બધું જ માનદ્દ છે. કમસે કમ સંરક્ષણ સેવાઓને તો એમાંથી બાકાત રાખો.

ઉલ્લેખનીય છે કે ધોની ભારતીય લશ્કરના ઈન્ડિયન ટેરિટોરિયલ આર્મી વિભાગમાં ‘લેફ્ટેનન્ટ કર્નલ’ની માનદ્દ રેન્ક ધરાવે છે.

હાલમાં જ ધોનીએ આર્મીના તે દળના જવાનો સાથે કશ્મીર ખીણવિસ્તારમાં જઈને બે સપ્તાહ સુધી લશ્કરી સેવા બજાવી હતી.

ગંભીરે કહ્યું કે ધોનીએ કશ્મીરમાં જઈને, આર્મીમાં સેવા બજાવીને સરકાર કામગીરી બજાવી છે. એને હું સલામ કરું છું. પરંતુ સંરક્ષણ દળોમાં માનદ્દ પદવીઓ અપાય એની હું તરફેણ કરતો નથી.

ધોની ઉપરાંત સચીન તેંડુલકર ભારતીય હવાઈ દળમાં ગ્રુપ કેપ્ટનની માનદ્દ રેન્ક ધરાવે છે. જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ ટેરીટોરિયલ આર્મીમાં લેફ્ટેનન્ટ કર્નલની રેન્ક ધરાવે છે.

ધોનીની નિવૃત્તિને લગતી અટકળો વિશે ગંભીરે કહ્યું કે ધોની હવે પછીની વર્લ્ડ કપ સ્પર્ધામાં રમે કે નહીં એની સાથે કોઈ લેવાદેવા હોવી ન જોઈએ, ભારત વર્લ્ડ કપ જીતે છે કે નહીં એ વિશે હોવા જોઈએ. તમે રિષભ પંત કે સંજુ સેમસન જેવાને તક આપી શકો છો… કોઈ પણ યુવા ક્રિકેટરને તક આપી શકો છો. એમને તક મળવી જ જોઈએ… અંગત રીતે કહું તો ધોનીના વિકલ્પ વિશે વિચારવાનો ભારતીય ક્રિકેટ માટે હવે સમય આવી ગયો છે.