ભૂતપૂર્વ હોકી કેપ્ટન સંદીપ સિંહ, કુસ્તીબાજ યોગેશ્વર દત્ત ભાજપમાં જોડાયા

ચંડીગઢ – ખેલકૂદ ક્ષેત્રના બે ધુરંધર ખેલાડી/એથ્લીટ આજે રાજકારણમાં પ્રવેશ્યા છે અને બંને જણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. આ બે જણ છે – ભૂતપૂર્વ હોકી કેપ્ટન સંદીપ સિંહ અને કુસ્તીબાજ યોગેશ્વર દત્ત.

યોગેશ્વર દત્ત ઓલિમ્પિક્સ મેડલિસ્ટ છે.

સંદીપ સિંહ અને યોગેશ્વરની સાથે શિરોમણી અકાલી દળના વિધાનસભ્ય બલકૌર સિંહ પણ ભાજપમાં જોડાયા છે. આજે સાંજે અહીં આયોજિત કાર્યક્રમમાં ત્રણેય જણ હરિયાણા ભાજપના પ્રમુખ સુભાષ બરાલાની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા.

સંદીપ સિંહ કદાચ હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના પેહોવા નગરના મતવિસ્તારમાંથી આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણી લડે એવી ધારણા છે.

પત્રકારો સાથેની વાતચીતમાં સંદીપ સિંહે કહ્યું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થયો છું એટલે જ રાજકારણમાં જોડાયો છું. એમની પ્રામાણિકતા મને ભાજપમાં ખેંચી લાવી છે. વડા પ્રધાન મોદી તથા હરિયાણાના મુખ્ય પ્રધાન, બંને જણ યુવાઓ માટે ઘણું સારું કામ કરે છે. જો પાર્ટી વિધાનસભાની ચૂંટણી લડવા માટે મને સક્ષમ સમજશે તો હું જરૂર ચૂંટણી લડીશ.

એવી જ રીતે, યોગેશ્વર દત્તને પણ હરિયાણામાં એના વતન જિલ્લા જિંદના બડોદા ગામમાંથી વિધાનસભાની ટિકિટ આપવામાં આવે એવી શક્યતા છે.

સંદીપ સિંહે 2009માં સુલતાન અઝલન શાહ કપ હોકી સ્પર્ધામાં ભારતીય ટીમનું સુકાન સંભાળીને એને વિજેતાપદ અપાવ્યું હતું. એ સ્પર્ધાની ફાઈનલમાં ભારતે યજમાન મલેશિયાને પરાજય આપ્યો હતો. સંદીપ સિંહને ફ્લિકર સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પેનલ્ટી કોર્નરના સ્પેશિયાલિસ્ટ હતા. હાલ તેઓ હરિયાણા પોલીસમાં ડીએસપી રેન્ક પર ફરજ બજાવે છે.

2006માં 20 વર્ષીય સંદીપ સિંહને કાલકા શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં અકસ્માતપણે છૂટેલી એક ગોળી વાગ્યા બાદ ગંભીર ઈજા થઈ હતી. એ વખતે તેઓ આફ્રિકામાં નિર્ધારિત વર્લ્ડ કપ સ્પર્ધા માટેની રાષ્ટ્રીય ટીમમાં જોડાવા માટે જઈ રહ્યા હતા. એ લગભગ લકવાગ્રસ્ત થઈ ગયા હતા અને એક વર્ષ સુધી વ્હીલચેરમાં રહેવું પડ્યું હતું. એ તેમાંથી સાજા થયા હતા એટલું જ નહીં, પણ પોતાનો હોકી પરચો ફરી પતાવ્યો હતો અને 2010ની વર્લ્ડ કપમાં ભારતીય ટીમ વતી રમ્યા પણ હતા. એ જ વર્ષમાં એમને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો.

યોગેશ્વર દત્તે પણ કહ્યું કે પાર્ટી ઈચ્છશે તો પોતે આગામી વિધાનસભા ચૂંટણી જરૂર લડશે. એણે કહ્યું કે ભાજપ સરકારે જમ્મુ-કશ્મીરમાં 370મી કલમ દૂર કરવાનો જે હિંમતભર્યો નિર્ણય લીધો એનાથી પ્રભાવિત થઈને પોતે એમાં સામેલ થવા આકર્ષિત થયો છે.

હરિયાણામાં 21 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજવાની છે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.