નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં કાંસ્યચંદ્રક જીતનાર ભારતના પુરુષોની હોકી ટીમ એશિયા કપ સ્પર્ધામાં રમવા માટે આજે અહીંથી રવાના થઈને ઈન્ડોનેશિયાના જકાર્તા પહોંચી ગઈ છે. સ્પર્ધા 23 મેથી શરૂ થવાની છે. ભારતીય ટીમની આગેવાની બિરેન્દ્ર લાકડા લઈ રહ્યો છે.
ભારતીય ટીમનો સમાવેશ પૂલ-A માં કરાયો છે, જેમાં તેની સાથે જાપાન, પાકિસ્તાન અને યજમાન ઈન્ડોનેશિયા છે. જ્યારે પૂલ-Bમાં મલેશિયા, કોરિયા, ઓમાન અને બાંગ્લાદેશ છે. ભારતની પહેલી મેચ સોમવારે પાકિસ્તાન સામે છે. એશિયા કપની પાછલી આવૃત્તિ 2017માં ઢાકામાં યોજાઈ હતી, જેમાં ભારત વિજેતા બન્યું હતું. તેણે ફાઈનલમાં મલેશિયાને પરાજય આપ્યો હતો.